<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

બ્રિટનનું વેલકમ કલેકશન ર હજારથી વધુ ઐતિહાસિક જૈન હસ્‍તપ્રતો ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્‍ટડીઝને પરત સોંપશે

વર્ષ ૧૯૧૯ માં સર હેનરી વેલકમના એજન્‍ટો દ્વારા અખંડ ભારતના પંજાબના જૈન દેરાસરમાંથી માત્ર પ રૂપીયા પ્રતિનંગની કિંમતે ખરીદાયેલ : બ્રિટન લાવવા તેનો રર હજારનો વીમો લેવાયેલ : આ વારસામાં પ્રાકૃત, સંસ્‍કૃત, ગુજરાતી, રાજસ્‍થાની તથા શરૂઆતની હિન્‍દી લીપીમાં ધર્મ, સાહિત્‍ય, વિજ્ઞાન તથા ચિકિત્‍સા પધ્‍ધતીનું અમુલ્‍ય લખાણ છે

નવી દિલ્‍હી : બ્રિટને પોતાના શાસનકાળ દરમિયાન જે જે દેશો પર રાજ કર્યું હતું, એ તમામ દેશોમાંથી અમૂલ્‍ય સાંસ્‍કળતિક અને ધાર્મિક વારસો લૂંટયો હતો અથવા નજીવી કિંમતે પડાવી લીધો હતો. આ બાબતે લાંબા સમયથી બ્રિટન પર આરોપ લાગતા રહ્યા છે. હવે બ્રિટનની પ્રતિષ્ઠિત સંસ્‍થાઓ પોતાની આ ઐતિહાસિક ભૂલો સુધારી રહી હોય તેવું લાગે છે.

લંડનનું પ્રખ્‍યાત વેલકમ કલેક્‍શન તેના સંગ્રહમાંથી ૨,૦૦૦થી વધુ મૂલ્‍યવાન ઐતિહાસિક જૈન હસ્‍તપ્રતો ધાર્મિક સમુદાયને પરત કરવા જઈ રહ્યું છે. આヘર્યની વાત એ છે કે આ હસ્‍તપ્રતો ભારત પરત લાવવાને બદલે બ્રિટનની જ એક યુનિવર્સિટીને સોંપાશે.

બ્રિટનની સંસદ હાઉસ ઓફ કોમન્‍સમાં ૧૪ મેના રોજ વેલકમ ટ્રસ્‍ટ, જૈનોલોજી સંસ્‍થા અને ર્બમિંઘમ યુનિવર્સિટી વચ્‍ચે આ હસ્‍તપ્રતો પરત કરવા માટેના એક કરાર પર હસ્‍તાક્ષર કરાયા છે. કોઈ ચીજવસ્‍તુ પાછી આપવાનો આ પહેલો આવો કરાર છે, જે હેઠળ ૫ વર્ષમાં તબક્કાવાર રીતે સંપૂર્ણ સંગ્રહ ર્બમિંઘમ યુનિવર્સિટીના ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્‍ટડીઝ ને ટ્રાન્‍સફર કરાશે. આ હસ્‍તપ્રતોમાં પ્રાકળત, સંસ્‍કળત, ગુજરાતી, રાજસ્‍થાની અને પ્રારંભિક હિન્‍દી લિપિઓમાં લખાયેલા ધર્મ, સાહિત્‍ય, વિજ્ઞાન અને ચિકિત્‍સા પદ્ધતિના અમૂલ્‍ય ગ્રંથો સામેલ છે.

વેલકમ કલેક્‍શન દક્ષિણ એશિયાની બહાર જૈન હસ્‍તપ્રતો ધરાવતો સૌથી મોટો સંગ્રહ છે. આ હસ્‍તપ્રતો વર્ષ ૧૯૧૯માં ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગસાહસિક અને કલેક્‍ટર સર હેનરી વેલકમના એજન્‍ટો દ્વારા એકત્રિત કરાઈ હતી. આ સંગ્રહની અડધાથી વધુ સામગ્રી ભારતના ભાગલા પહેલાના પંજાબ રાજ્‍યના એક જૈન મંદિરમાંથી લેવાઈ હતી. એ સ્‍થળ હવે પાકિસ્‍તાનમાં છે, પણ દેરાસર અસ્‍તિત્‍વમાં નથી.

આ ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે હેનરી વેલકમના એજન્‍ટોએ આ હસ્‍તપ્રતો માત્ર ૫ રૂપિયા પ્રતિ નંગ (જે આજના વિનિમય દર મુજબ માત્ર ૦.૮ પેન્‍સ જેટલી થાય) ચૂકવીને ખરીદી હતી. સંસ્‍થાના પ્રવક્‍તાએ સ્‍વીકાર્યું છે કે એજન્‍ટો સારી રીતે જાણતા હતા કે તેઓ આ હસ્‍તપ્રતો તેની વાસ્‍તવિક કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદી રહ્યા છે અને વેચનારા તેની સાચી કિંમત સમજ્‍યા ન હતા. બાદમાં બ્રિટન લાવવા માટે આ જ સામગ્રીનો ૨૨,૦૦૦ રૂપિયા (૧૭૦ પાઉન્‍ડ) નો વીમો લેવાયો હતો, જે દર્શાવે છે કે બ્રિટિશરો તેની અસલી કિંમતથી વાકેફ હતા.

ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્‍ટડીઝ એ વર્ષ ૨૦૨૩ માં ર્બમિંઘમ યુનિવર્સિટીમાં વૈશ્વિક જૈન સમુદાયના ભંડોળથી સ્‍થાપિત થયેલું એક વિશિષ્ટ સંશોધન કેન્‍દ્ર છે. આ નેટવર્કનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય જૈન ધર્મના ઇતિહાસ, ફિલસૂફી અને પ્રાચીન હસ્‍તપ્રતો પર ઉચ્‍ચ સ્‍તરીય શૈક્ષણિક સંશોધન કરવાનો તથા તેને ડિજિટલ માધ્‍યમથી દુનિયા સમક્ષ લાવવાનો છે. 

સંગ્રહના મુખ્‍ય આકર્ષણો

આ સંગ્રહ માનવ સ્‍વાસ્‍થ્‍ય અને આધ્‍યાત્‍મિક ઇતિહાસ પર પ્રકાશ પાડતી એક મહત્ત્વપૂર્ણ બારી સમાન છે, જેમાં મુખ્‍યત્‍વે નીચે મુજબની હસ્‍તપ્રતોનો સમાવેશ થાય છે.

- કલ્‍પસૂત્રની ૧૬મી સદીની સચિત્ર નકલ જૈન ધર્મના તીર્થંકરો અને ભગવાન મહાવીરના જીવન ચરિત્રને દર્શાવતી આ ભવ્‍ય રીતે ચિત્રિત હસ્‍તપ્રત અત્‍યંત દુર્લભ છે.

- વૈદ્યમાનોત્‍સવની સૌથી જૂની નકલ વર્ષ ૧૬૮૮ની એક ક્ષતિગ્રસ્‍ત હસ્‍તપ્રત છે, જેના વિશે વિદ્વાનો માને છે કે તે વર્ષ ૧૫૯૨માં લખાયેલા પ્રખ્‍યાત તબીબી ગ્રંથ વૈદ્યમાનોત્‍સવની સૌથી જૂની હયાત નકલ છે.

- બ્રિટન વિરોધી લેખન એક એવી હસ્‍તપ્રત પણ છે જેમાં ભારતમાં બ્રિટિશ શાસનના નૈતિક પાયાની આકરી ટીકા કરાઈ છે. આ લખાણો મહાત્‍મા ગાંધી દ્વારા પાછળથી લોકપ્રિય કરાયેલા નૈતિક અને અહિંસક સિદ્ધાંતો સાથે સામ્‍યતા ધરાવે છે.

 

(3:27 PM IST)