<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

બ્રિટિશ આર્મીમાં ખળભળાટ: ભૂતપૂર્વ SAS કમાન્ડરે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તૈનાત આઇરિશ ગાર્ડ્સની શારીરિક ફિટનેસ અને પહેરવેશ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

​ઝેલેન્સ્કી અને બ્રિટિશ નેતાઓની મુલાકાત દરમિયાન પહેરો આપતા સૈનિકોને ‘હથિયાર વગરના ટેલીટબીઝ’ કહીને ઉધડાડો લીધો; પ્રિન્સિસ ઓફ વેલ્સ કેથરિન (કેટે) સાથે પણ જોડાયેલું છે આ રેજિમેન્ટનું નામ

​લંડન : બ્રિટનની પ્રતિષ્ઠિત સૈન્ય ટુકડી ‘આઇરિશ ગાર્ડ્સ’ (Irish Guards) હાલ એક વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી અને બ્રિટિશ રાજકારણી એન્ડી બર્નહામની ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સલામતી અને સન્માન ગાર્ડ તરીકે તૈનાત સૈનિકોના દેખાવને લઈને બ્રિટિશ સ્પેશિયલ એર સર્વિસ (SAS)ના એક ભૂતપૂર્વ લેફ્ટનન્ટ કર્નલ કમાન્ડરે આકરી ટીકા કરી છે.

​શું છે સમગ્ર વિવાદ?

ડાઉનિંગ સ્ટ્રીટ બહાર પ્રોટોકોલ મુજબ તૈનાત કરાયેલા આઇરિશ ગાર્ડ્સના જવાનોના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોગ્રાફ્સ જોઈને ભૂતપૂર્વ કમાન્ડરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સૈનિકોના શારીરિક બાંધા (ઓવરવેઇટ/મોટાપો) અને ઢીલા-બેઢંગા ગણવેશ પર આકરા પ્રહારો કરતા તેમને રમૂજી બાળકોના કાર્ટૂન કેરેક્ટર જેવા "હથિયાર વગરના ટેલીટબીઝ" (Unarmed Teletubbies) ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે સૈનિકોએ પહેરેલા યુનિફોર્મ શાળાના બાળકોના માપ વગરના કપડાં જેવા દેખાતા હતા અને આ દ્રશ્ય બ્રિટિશ સેનાના ઉચ્ચ શિસ્ત અને ધોરણો પર સવાલ ઉભા કરે છે.

​પ્રિન્સિસ ઓફ વેલ્સ ‘કેટે’ સાથે સંબંધિત રેજિમેન્ટ

ઉલ્લેખનીય છે કે આઇરિશ ગાર્ડ્સ રેજિમેન્ટ બ્રિટનના રોયલ ફેમિલી સાથે સીધી રીતે જોડાયેલી છે. પ્રિન્સિસ ઓફ વેલ્સ કેથરિન (કેટે) આ રેજિમેન્ટના 'ઓનરરી કમાન્ડિંગ કર્નલ' (ગૌરવશાળી કર્નલ)નો હોદ્દો ધરાવે છે. જોકે, તેમનો આ હોદ્દો માત્ર ઔપચારિક છે અને તેઓ દૈનિક સૈન્ય કામગીરી કે તાલીમમાં સામેલ હોતા નથી, છતાં તેમના હસ્તકની રેજિમેન્ટ વિવાદમાં આવતા રાજમહેલમાં પણ ચર્ચા જાગી છે.

​બ્રિટિશ આર્મીનું વલણ

સૈન્ય વર્તુળોમાં આ ટીકા બાદ તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આઇરિશ ગાર્ડ્સ યુક્રેની સેનાને તાલીમ આપવા અને આધુનિક ડ્રોન વોરફેર (ડ્રોન યુદ્ધકળા) વિકસાવવામાં બ્રિટિશ આર્મીમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા પર યુનિફોર્મ અને ફિટનેસ અંગે ચર્ચા છે, ત્યાં બીજી તરફ સેનાના સમર્થકોનું કહેવું છે કે પરંપરાગત પ્રોટોકોલ ડ્યુટી કરતાં સૈનિકોની યુદ્ધક્ષમતા અને ટેક્નોલોજીકલ ક્ષમતા વધુ મહત્વપૂર્ણ છે.

(6:46 PM IST)