<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

બ્રિટન સરકારે વિદેશી ગુનેગારો અને ગેરકાયદેસર રહેતા લોકો સામે યુદ્ધ છેડ્યું: ૪૫,૦૦૦ લોકોને દેશનિકાલ કરવાનો માસ્ટરપ્લાન, અટકાયત કેન્દ્રોની ક્ષમતા ૪૦% વધારાશે!

બ્રિટનમાં ઘૂસણખોરી કરનારાઓ હવે કોઈપણ કિંમતે રહી શકશે નહીં, ઇમિગ્રેશન બજેટ કરાયું બમણું; કાયદાકીય છટકબારીઓ રોકવા માનવ અધિકાર એક્ટમાં પણ થશે મોટા ફેરફાર

લંડન, તા.૩૦: બ્રિટન (UK) માં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા વસાહતીઓ અને વિદેશી ગુનેગારો માટે હવે મુશ્કેલીના દિવસો શરૂ થઈ ગયા છે. બ્રિટન સરકારે દેશમાં રહેવાનો કોઈ કાનૂની અધિકાર ન ધરાવતા ૪૫,૦૦૦ થી વધુ વિદેશી ગુનેગારો અને આશ્રય (Asylum) મેળવવામાં નિષ્ફળ ગયેલા લોકોને આગામી દાયકામાં દેશનિકાલ કરવા માટે એક અત્યંત કડક નીતિની જાહેરાત કરી છે. આ મિશનને પૂરું કરવા માટે બ્રિટન પોતાની અટકાયત ક્ષમતા (Detention Capacity) માં ૪૦% નો જંગી વધારો કરવા જઈ રહ્યું છે.

અટકાયત કેન્દ્રોમાં પથારીઓની સંખ્યા સીધી ત્રણ ગણી કરાશે

સરકારના સત્તાવાર આદેશ અનુસાર, દેશના મુખ્ય 'હાસ્લર' અને 'કેમ્પ્સફિલ્ડ' ઇમિગ્રેશન રિમૂવલ સેન્ટર્સ (IRCs) નો વિસ્તાર કરવામાં આવશે. આ વિસ્તરણથી અત્યાર સુધીની ૨૯૦ કેદીઓની સંયુક્ત ક્ષમતા ત્રણ ગણી વધીને સીધી ૧,૦૦૦ પથારીની થઈ જશે. બ્રિટન પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, વધારાની જેલ અને અટકાયત જગ્યાઓ ઉપલબ્ધ થતાં જ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ કરનારાઓની અટકાયત કરીને તેમને ત્વરિત ધોરણે તેમના વતન પરત મોકલી દેવાશે.

દેશનિકાલનો આંકડો ૧૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

બ્રિટન હોમ ઓફિસના ડેટા અનુસાર, હાલની સરકારે સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં બ્રિટનમાં ગેરકાયદેસર રહેતા અંદાજે ૭૦,૦૦૦ લોકોને દેશની બહાર હાંકી કાઢવામાં આવ્યા છે, જે પાછલા ૨૧ મહિનાની સરખામણીએ ૪૧% નો મોટો ઉછાળો દર્શાવે છે. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી લગભગ ૧૦,૦૦૦ લોકો તો વિદેશી મૂળના ખૂંખાર ગુનેગારો હતા.

ઇમિગ્રેશન દરોડા વધારવા કરોડોનું ફંડ મંજૂર

આ સખત ઝુંબેશને સતત ચાલુ રાખવા માટે સરકારે વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટનું આખું બજેટ બમણું કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ઇમિગ્રેશન પોલીસ વિભાગના કર્મચારીઓની સંખ્યામાં પણ ૬૦% નો વધારો કરાશે, જેથી આગામી દિવસોમાં બ્રિટનમાં ઇમિગ્રેશન દરોડા, ધરપકડ અને દેશનિકાલની પ્રક્રિયા રોકેટ ગતિએ વધશે.

વારસામાં મળી છે ૪.૧૨ લાખ ગેરકાયદેસર વસાહતીઓની ફોજ

બ્રિટનના ગૃહ સચિવ શબાના મહમૂદે આ કડક કાયદાનું સમર્થન કરતાં જણાવ્યું કે, ચીફ ઇન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઇમિગ્રેશન (ICIBI) ના તાજેતરના રિપોર્ટ મુજબ, દેશને વારસામાં ૪,૧૨,૦૦૦ થી વધુ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ગંભીર સમસ્યા મળી છે. હવે આ સ્થિતિને ડામવા માટે સરકાર બ્રિટિશ સંસદમાં નવું 'ઇમિગ્રેશન એન્ડ આશ્રય બિલ' રજૂ કરવા જઈ રહી છે.

આ નવા કાયદા હેઠળ માનવ અધિકાર કાયદાની કેટલીક જોગવાઈઓ અને યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (ECHR) ની કલમ ૮ માં મોટા સુધારા કરવામાં આવશે. મંત્રીઓનું કહેવું છે કે અત્યાર સુધી ગેરકાયદેસર વસાહતીઓ કાનૂની દેશનિકાલથી બચવા માટે આ માનવ અધિકાર કાયદાઓનો દુરુપયોગ કરીને કોર્ટમાંથી સ્ટે મેળવી લેતા હતા, પરંતુ હવે નવી કાયદાકીય નીતિ તમામ છટકબારીઓ બંધ કરી દેશે.

 

(4:07 PM IST)