<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ન્યૂ યોર્કમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ફટાકડા વચ્ચે બ્રુકલિન બ્રિજ પર ભીષણ આગ

ચોથી જુલાઈની આતશબાજી દરમિયાન બ્રુકલિન બ્રિજ પર આગના દ્રશ્યોથી લોકોમાં ફફડાટ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી

ન્યૂ યોર્ક : ન્યૂ યોર્કમાં શુક્રવારે રાત્રે ૪ જુલાઈની સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા ભવ્ય ફટાકડા શો દરમિયાન પ્રસિદ્ધ બ્રુકલિન બ્રિજ પર અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાત્રે ૧૦ વાગ્યા પહેલા બનેલી આ ઘટનામાં નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પુલ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોનારાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ફાયર વિભાગે તત્કાલ બે ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફટાકડા શો દરમિયાન આવી ઘટનાઓ અણધારી નથી હોતી અને સુરક્ષાના ભાગરૂપે જ જનતાને પુલથી દૂર રાખવામાં આવે છે. પુલ પર ટ્રાફિક પહેલેથી જ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. હવામાન વિભાગની ચેતવણી હોવા છતાં, મેસીના ફટાકડા શોને ટ્રાઇ-સ્ટેટ પ્રદેશમાં તોફાની વાતાવરણને લીધે ૨૦ મિનિટ વહેલો શરૂ કરવામાં આવ્યો હતો, જેથી વાવાઝોડું પસાર થાય તે પહેલા જ કાર્યક્રમ સંપન્ન થઈ શકે.
આકાશ રંગબેરંગી ફટાકડાથી ઝળહળી ઉઠ્યું હતું અને બ્રુકલિન બ્રિજ તથા પૂર્વ અને હડસન નદીઓ પરના બાર્જથી કરાયેલી આતશબાજીએ નીચલા મેનહટનને પ્રકાશિત કરી દીધું હતું. હજારો લોકો વોટરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા. આ ઘટના બાદ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા ફટાકડાના અવશેષો અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા જાહેર કાર્યક્રમો દરમિયાન વધુ સાવચેતી રાખી શકાય.

(1:58 PM IST)