તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ભાઈ ભાઇઃ દુનિયાની સૌથી મોંઘી કેરી ગુજરાતીએ ખરીદી
૧ કિલો કેરીના આપ્યા ૨ લાખ અને ૧૧ હજાર રુપિયા

નવી દિલ્હી તા.૨૯: મિયાઝાકી કેરી ખાલી ચર્ચામાં જ નથી રહેતી પણ તે ખેડૂતોને લાખોપતિ પણ બનાવે છે. સહારનપુરના ખેડૂતની મહેનત રંગ લાવી છે અને તેમણે ગુજરાતના એક વેપારીને પોતાની માતા માટે દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકીને ૨ લાખ ૧૧ હજાર રૂપિયામાં વેચી છે. આ કેરીને ખરીદનારા ગુજરાતના રહેવાસી પ્રવીણ ગુપ્તા ભારતમાં મિયાઝાકી કેરીને સૌથી મોંઘા ભાવે ખરીદનારા પહેલી વ્યક્તિ બની ગયા છે.
પ્રવીણ ગુપ્તાએ આ કેરીને લાખો રૂપિયામાં ખરીદીને એ સાબિત કરી દીધું છે કે આ મિયાઝાકી કેરીને કંઈ એમ જ દુનિયાની સૌથી મોંઘી કેરી નથી કહેવાતી. જો આ કેરીની ખાસિયતની વાત કરીએ તો તે દેખાવે સુંદર હોય છે, જેને સૂરજના ઈંડાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં સામાન્ય કેરીની તુલનામાં વધારે વિટામિન એ, વિટામિન સી, બીટા કેરોટીન અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. ગુજરાતના રહેવાસી ખરીદદાર પ્રવીણ ગુપ્તાએ આ કેરીને ખરીદવા પાછળ બે કારણો જણાવ્યા છે. એક તો તેમણે દુનિયાની સૌથી મોંઘી કેરી પોતાની માતાના નામે કરી છે, જ્યારે બીજું ખેડૂતોની આવક વધારવાનું છે. એટલા માટે તેમણે આ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કહી છે.
ખેડૂત સંદીપ ચૌધરીએ જણાવ્યું કે, પહેલી વાર અમારી મિયાઝાકી કેરી વેચાઈ છે. ૨ લાખ ૧૧ હજાર રૂપિયામાં એક કિલો એટલે કે ૪ કેરી વેચાઈ છે. તેમાંથી ૧ લાખ ૧૧ હજાર ઓનલાઈન પૈસા આવ્યા છે, જ્યારે ૧ ઓગસ્ટના રોજ કેરી પહોંચ્યા બાદ બાકીના રૂપિયા રોકડા મળી જશે. આજે હું બહુ ખુશ છું કે મેં એવું વિચારીને આ કેરી ઉગાડી હતી કે તેનાથી અમારા ખેડૂતોની આવક વધશે.
જો કે, આ દરમ્યાન લોકો એવી વાતો પણ કરતા હતા કે આ ખાલી દેખાડો છે. કેરી કંઈ લાખોમાં વેચાતી હશે! પણ આજે જે વિચારીને મેં કેરી ઉગાડી હતી તે સપનું પૂરું થયું છે. મેં શરૂઆતમાં એવા ઈરાદા સાથે કેરી ઉગાડી હતી કે ખેડૂતો કોઈ એવી મોંઘી વસ્તુ લગાવે, જે મોંઘા ભાવે વેચાય અને તેમની આવક વધે.
તેમણે કહ્યું કે, હજુ સુધી મિયાઝાકી કેરીને ભારતમાં લાખો રૂપિયામાં ખરીદનારું કોઈ મળ્યું નહોતું પણ આજે સુરતના એક બહુ મોટા વેપારી પ્રવીણ ગુપ્તાએ અમારી આ કેરી ખરીદી છે. ગયા વર્ષે પણ ગુપ્તાજી અમારા સંપર્કમાં હતા અને કેરી ખરીદવા માગતા હતા, પણ ગયા વર્ષે અમે આ કેરી વેચી નહોતી અને મુખ્યમંત્રીને મોકલી હતી.
ગુપ્તાજીએ જણાવ્યું છે કે જે રીતે મોદીજી કહે છે કે એક ઝાડ માતાના નામે, તો તેમણે દુનિયાની સૌથી મોંઘી કેરી પોતાની માતાના નામે ખરીદી છે. આ કેરીની ડીલ સાડા ત્રણ લાખ રૂપિયામાં થઈ છે. પણ જ્યારે તેણે જણાવ્યું કે, આ કેરીને તેઓ પોતાની માતા માટે ખરીદવા માગે છે તો ત્યારે મેં પૈસા ઘટાડીને ૨ લાખ ૧૧ હજારમાં આ કેરી આપવાનો નિર્ણય લીધો અને આજે તેમની આ કેરી વેચાઈ ચૂકી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
