<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

BSNL Pay ડિજિટલ પેમેન્ટ સર્વિસ સત્તાવાર રીતે લોન્ચ, કરોડો BSNL ગ્રાહકો માટે UPI, રિચાર્જ અને બિલ પેમેન્ટનું વન-સ્ટોપ સોલ્યુશન ઉપલબ્ધ

સરકારી ટેલિકોમ કંપની BSNLનું ડિજિટલ ઈન્ડિયા મિશનને વેગ આપતું મહત્વનું પગલું, ઝીરો ટ્રાન્ઝેક્શન ચાર્જ સાથે મની ટ્રાન્સફર, QR પેમેન્ટ, ઓનલાઈન શોપિંગની સુવિધા: PhonePe, GPay, Paytmને સીધી ટક્કર

નવી દિલ્હી, તા. 23 : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ડિજિટલ ક્ષેત્રે મોટી છલાંગ લગાવતા પોતાની ઇન-હાઉસ UPI આધારિત પેમેન્ટ સર્વિસ 'BSNL Pay' સત્તાવાર રીતે લોન્ચ કરી છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનને વેગ આપવા અને ખાનગી ટેલિકોમ ઓપરેટરો સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે BSNLનું આ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. 

 

BSNL Pay એપના માધ્યમથી યુઝર્સ મોબાઈલ રિચાર્જ, લેન્ડલાઈન અને બ્રોડબેન્ડ બિલ, DTH રિચાર્જ, વીજળી, પાણી, ગેસ, ફાસ્ટેગ જેવા તમામ યુટિલિટી બિલ એક જ જગ્યાએથી ભરી શકશે. આ ઉપરાંત UPI ID દ્વારા પૈસા મોકલવા અને મેળવવા, QR કોડ સ્કેન કરીને ઈન્સ્ટન્ટ પેમેન્ટ, મની ટ્રાન્સફર અને ઓનલાઈન શોપિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. કંપનીના દાવા મુજબ BSNL Pay દ્વારા કરવામાં આવતા મોટાભાગના વ્યવહારો પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં. 

 

દેશભરમાં ફેલાયેલા BSNLના 9 કરોડથી વધુ મોબાઈલ ગ્રાહકો અને લાખો લેન્ડલાઈન-બ્રોડબેન્ડ યુઝર્સને આ સેવાનો સીધો ફાયદો મળશે. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જ્યાં BSNLનું નેટવર્ક મજબૂત છે, ત્યાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. 

 

BSNL Pay એપ Google Play Store અને Apple App Store પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાશે. BSNL મોબાઈલ નંબર ધરાવતા ગ્રાહકોએ એપ ઇન્સ્ટોલ કરીને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ લિંક કરી UPI પિન સેટ કરતા જ સેવા શરૂ થઈ જશે. 

 

BSNL Payના લોન્ચ સાથે સરકારી કંપની હવે ફિનટેક સેક્ટરમાં PhonePe, Google Pay, Paytm, Amazon Pay જેવી દિગ્ગજ ખાનગી કંપનીઓને સીધી ટક્કર આપશે. ટેલિકોમ ઉપરાંત પેમેન્ટ સર્વિસથી BSNLની આવકમાં વધારો થવાની શક્યતા છે. 

 

BSNLના અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં BSNL Payમાં ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ, લોન EMI, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વીમા પ્રીમિયમ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે.

(4:16 PM IST)