<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

કટરા નજીક તારાકોટ વિસ્તારમાં જવાનોને લઈ જતી એક બસ ખીણમાં ખાબકી: નવ લોકો ઘાયલ: 3 જવાનોની હાલત ગંભીર

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી:તમામ ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. માતા વૈષ્ણો દેવીના બેઝ કેમ્પ કટરા નજીક આવેલા તારાકોટ વિસ્તારમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોને લઈ જતી બસ અચાનક કાબૂ ગુમાવી ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ CISF જવાનો અને બસ ડ્રાઇવર સહિત કુલ નવ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ત્રણ ગંભીર રીતે ઘાયલ જવાનોને વિશેષ સારવાર માટે જમ્મુ રિફર કરવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નોંધણી નંબર JK08D-5992 ધરાવતી CISFની બસ સુરક્ષા કર્મચારીઓને તેમના ગંતવ્ય સ્થળે લઈ જઈ રહી હતી. તારાકોટ નજીક પહોંચતા જ ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાહત ટીમોએ ઝડપથી કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા. તબીબોની દેખરેખ હેઠળ તમામ ઘાયલોની સારવાર ચાલુ છે.

હાલ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બસમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે રસ્તાની સ્થિતિ અકસ્માત માટે જવાબદાર હતી તે સહિત તમામ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. વહીવટી તંત્રનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(10:10 PM IST)