<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

કેન્યામાં બસ અને ટ્રક વચ્ચેની ભીષણ ટક્કરમાં 22 લોકોના મોત:અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરીને પરત ફરતા સમયે કાળ ભેટ્યો

નેરોબીને દરિયાકાંઠાના શહેર મોમ્બાસા સાથે જોડતા મુખ્ય હાઇવે પર અકસ્માત: અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

કેન્યાના મુખ્ય હાઇવે પર રવિવારે એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દેનારો ભયંકર અકસ્માત સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 22 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બસમાં સવાર તમામ મુસાફરો એક અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે જ કાળ રૂપી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. માકુએની કાઉન્ટીના કમિશનર અબ્દુલ્લાહી ખલીફે જણાવ્યું છે કે, આ અકસ્માતની ઘટના ખૂબ જ ગંભીર છે અને ગંભીર રીતે ઘાયલ મુસાફરોની સ્થિતિ જોતાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા છે. અકસ્માત કયા ચોક્કસ કારણોસર થયો તેની તપાસ હાલ ચાલી રહી છે.

આ અકસ્માત રાજધાની નેરોબીને દરિયાકાંઠાના શહેર મોમ્બાસા સાથે જોડતા મુખ્ય હાઇવે પર થયો હતો. કેન્યાના નેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હાઇવેનો જે હિસ્સા પર આ દર્દનાક અકસ્માત થયો તેને અગાઉથી જ "એક્સીડન્ટ બ્લેક સ્પોટ" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક વિસ્તારમાં વાહનોની તેજ રફ્તાર અને ખરાબ રસ્તાઓને અવારનવાર થતા અકસ્માતોનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

(11:40 PM IST)