હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં તહેવારોની મોસમમાં વિરોધ પ્રદર્શનના કારણે વેપારને મોટો ફટકો: ૭૦૦થી વધુ બજારો પ્રભાવિત થતાં અંદાજે ૩,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
ઑક્ટોબર મહિનામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો, ટ્રાફિક ડાઈવર્ઝન અને મેટ્રો પ્રતિબંધોને કારણે રાજધાનીના રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરને ભારે આર્થિક નુકસાન

નવી દિલ્હી : ઑક્ટોબર મહિના દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને નાકાબંધીને કારણે તહેવારોની મુખ્ય સિઝનમાં વેપારી વર્ગને અંદાજે ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે, જેનાથી નાના-મોટા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દસમી ઑક્ટોબરના રોજ થયેલા વિરોધ પ્રદર્શનને લીધે અંદાજે ૨,૦૦૦ કરોડ રૂપિયા અને ત્યારબાદ ૧૩થી ૧૬ ઑક્ટોબર દરમિયાન મેટ્રો સ્ટેશન બંધ રહેવા તેમજ ટ્રાફિક પ્રતિબંધોના કારણે આશરે ૧,૦०० કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે. નવરાત્રિ અને દિવાળી જેવા મહત્વના તહેવારો ટાણે જ બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતા વેપાર પર સીધી માઠી અસર પડી છે.
આ વ્યાપક વિરોધ પ્રદર્શનની સીધી અસર સદર બજાર, ચાંદની ચોક, કનોટ પ્લેસ, કરોલ બાગ, ખારી બાવલી અને ગાંધીનગર સહિત દિલ્હીના ૭૦૦થી વધુ નાના-મોટા જથ્થાબંધ અને રિટેલ માર્કેટ પર પડી છે. આસપાસના રાજ્યો જેવા કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી નિયમિત ખરીદી માટે આવતા વેપારીઓ રસ્તા જામ હોવાને કારણે દિલ્હી પહોંચી શક્યા ન હતા, જેનાથી સપ્લાય ચેઈન સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે.
વેપાર ઉપરાંત દિલ્હીની હોટેલો, રેસ્ટોરાં, સિનેમાઘરો અને સલુન્સમાં પણ અગાઉથી નોંધાયેલા ૮૦ ટકા જેટલા બુકિંગ રદ્દ થઈ ગયા છે. પ્રાઈમ શોપિંગ એરિયામાં સાંજની વેળાએ રેસ્ટોરાં ખાલીખમ જોવા મળી હતી અને વિદેશી પ્રવાસીઓની અવરજવર પણ ઘટી જવાના કારણે મનોરંજન અને આતિથ્ય ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે.
પરિવહન ક્ષેત્રે પણ સ્થિતિ ગંભીર રહી હતી કારણ કે હાઈવે પર લાંબા ટ્રાફિક જામ અને બસ રૂટ ડાઈવર્ટ થવાને કારણે હજારો ટ્રક, ટેમ્પો અને ઓટો-ટેક્સી ચાલકોની રોજીરોટી પ્રભાવિત થઈ હતી. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ સિઝન વેપારીઓ માટે વર્ષભરની કમાણીનું મુખ્ય સાધન હોય છે, અને જો સ્થિતિ સુધરશે નહીં તો નુકસાનનો આંકડો હજુ વધી શકે છે.
આ ગંભીર આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વ્યાપારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ ટેક્સ છૂટ, વિશેષ રાહત પેકેજ અથવા વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે, જેથી તહેવારોની મોસમમાં મંદ પડેલા બજારને ફરીથી વેગ આપી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
