News of Thursday, 26th November 2026
૧૩ કરોડ રૂપિયામાં અમેરિકાનું એક વેરાન ગામ ખરીદીને એકલો રહે છે
ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ અને ટિકટોક પર ૩ લાખ ફોલોઅર્સ છે એનાથી ધૂમ કમાણી થાય છે

કેલિફોર્નિયા તા.૨૬: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં બ્રેન્ટ અન્ડરવુડ નામના ભાઈએ ૨૦૧૮માં સેરો ગોર્ડો નામનું એક માઇનિગ ટાઉન ખરીદ્યું હતું. આ ટાઉન સાવ જ વેરાન છે. એમાં કોઈ રહેતું નથી. નથી એમાં પાણીની વ્યવસ્થા અને નથી એક કરિયાણાની દુકાન, છતાં બ્રેન્ટભાઈ આ શહેરમાં મજાથી રહે છે. આ ટાઉનમાં રહેવાનું આસાન નથી કેમ કે એ સમુદ્રની સપાટીથી ઘણું ઊંચે છે અને અહીં ઠંડી એટલી પડે છે કે શિયાળાના દિવસોમાં તો આ ટાઉન સાવ જ વિખૂટું પડી જાય છે. એમ છતાં બ્રેન્ટને અહીં રહેવું ગમે છે. ૨૦૧૮ પહેલાં બ્રેન્ટે આ ટાઉન વિશે સાંભળ્યું પણ નહોતું. જસ્ટ એક દોસ્તે તેને મજાકમાં એક જાહેરાત ફોર્વર્ડ કરેલી, જેમાં સિલ્વર માઇનિગ પાસેની ડેથ વેલીમાં એક પ્રોપર્ટી વેચવાની જાહેરાત હતી. બ્રેન્ટને આ જગ્યામાં રસ પડ્યો અને તે ફલાઇટ પકડીને કેલિફોર્નિયા આવ્યો અને ૮૨૦૦ મીટર ઊંચાઈએ આવેલા આ વેરાન ટાઉનમાં પહોંચ્યો. તેને આ જગ્યા ખૂબ જ શાંતિ આપનારી લાગી એટલે તેણે પ્રોપર્ટી ખરીદી લીધી. ૨૦૨૦માં બ્રેન્ટે આ ટાઉનમાં રહેવાનું પણ શરૂ કરી દીધું. આ ટાઉનમાં પાણી પણ દૂરથી લાવવું પડે છે અને વીજળી પણ નથી. બ્રેન્ટે જાતે સોલર પાવરથી વીજળી પેદા કરી છે અને કરિયાણા માટે બે કલાક દૂર આવેલી વસાહતમાં જાય છે. આ વેરાન જગ્યા પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે એ દર્શાવતા વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ અને ટિકટોક પર ૩ લાખ ફોલોઅર્સ છે એનાથી ધૂમ કમાણી થાય છે. હવે આ વેરાન જગ્યા પર બ્રેન્ટ હોટલ બનાવવીને ટૂરિસ્ટોને આકર્ષવાનો પ્લાન કરી રહ્યો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
