<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

બપોરે ૧ સુધીમાં: વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: પી. બંગાળ ૬૨% અને તમિલનાડુમાં ૫૬%થી વધુ બમ્પર વોટિંગ: ઝારગ્રામમાં 'રામલાલ' હાથી મતદાન મથકમાં ઘૂસ્યો: મુર્શિદાબાદમાં હિંસા

નવીદિલ્હી: આજના વિધાનસભા ચૂંટણીના મતદાનમાં પશ્ચિમ બંગાળ (પ્રથમ તબક્કો) અને તમિલનાડુમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર બપોરે ૧ વાગ્યા સુધીમાં બંગાળમાં ૬૨ ટકાથી વધુ જ્યારે તમિલનાડુમાં ૫૬ ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. સવારથી જ શરૂ થયેલા આ મહા પર્વમાં બંગાળના કેટલાક વિસ્તારોમાં હિંસા અને એક મતદાન મથકમાં હાથી ઘૂસી આવવા જેવી નોંધનીય ઘટનાઓ આજે ચર્ચાનો વિષય બની છે.

 

*સત્તાવાર મતદાનના આંકડા:*

સવારે ૯:૦૦ વાગ્યા સુધી:

• તમિલનાડુ: ૧૭.૬૦ ટકા

• પશ્ચિમ બંગાળ: ૧૮.૭૬ ટકા

 

સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી:

• તમિલનાડુ: ૩૭.૫૬ ટકા

• પશ્ચિમ બંગાળ: ૪૧.૧૧ ટકા

 

બપોરે ૧:૦૦ વાગ્યા સુધી:

• તમિલનાડુ: ૫૬.૮૧ ટકા

• પશ્ચિમ બંગાળ: ૬૨.૨૦ ટકા

 

 

*પશ્ચિમ બંગાળમાં હાથીએ મતદાન અટકાવ્યું:* 

ઝારગ્રામ જિલ્લામાં આવેલા જીતુશોલ પ્રાથમિક શાળાના મતદાન મથકમાં અચાનક 'રામલાલ' નામનો એક જંગલી હાથી આવી ચડ્યો હતો. જંગલ વિસ્તારની વચ્ચે આવેલા આ બૂથ પર હાથીના આગમનને કારણે થોડા સમય માટે મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને મતદારોમાં ભયની સાથે કુતૂહલ જોવા મળ્યું હતું.

 

*મુર્શિદાબાદમાં હિંસક ઘર્ષણ:*

બંગાળમાં ફરી એકવાર ચૂંટણી દરમિયાન હિંસા જોવા મળી છે. મુર્શિદાબાદમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને હુમાયુ કબીરના પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. અહી એક ઉમેદવારના કાફલા પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હોવાના સત્તાવાર અહેવાલો છે.

 

જિલ્લાવાર ટ્રેન્ડ: બપોર સુધીના ટ્રેન્ડ મુજબ પશ્ચિમ મેદિનીપુરમાં સૌથી વધુ જ્યારે માલદામાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીએ પણ સવારે જ પોતાનો મત આપ્યો હતો.

 

*તમિલનાડુના અહેવાલો:*

જીએસટી રોડ પર ટ્રાફિક જામ: ચેન્નઈના અત્યંત વ્યસ્ત એવા જીએસટી રોડ પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારોના કારણે અનેક મતદારો અને વાહનચાલકો અટવાયા હતા, જેનાથી ઘણા લોકોને મતદાન મથક સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.

 

અભિનેતા વિજયની ખાસ માંગ: તમિલગા વેત્રી કઝગમ એટલે કે ટીવીકે પક્ષના વડા અને લોકપ્રિય અભિનેતા વિજયે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મતદાનના સમયમાં બે કલાકનો વધારો કરવામાં આવે. નોંધનીય છે કે વિજય પોતે તિરુચિરાપલ્લી પૂર્વ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.

 

દિગ્ગજ નેતાઓ અને કલાકારોનું મતદાન: મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કોલાથુર ખાતેથી મતદાન કર્યું હતું. આ ઉપરાંત અભિનેતા કમલ હાસન અને તેમની પુત્રી શ્રુતિ હાસને પણ ચેન્નઈમાં વહેલી સવારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

(2:05 PM IST)