<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

જમ્મુ-કાશ્મીરમાં મંત્રીમંડળ વિસ્તરણનો તખતો તૈયાર : મંગળવારે નવા મંત્રીઓના શપથ, ઉમર અબ્દુલ્લા સરકારમાં મોટા ફેરફારની શક્યતા

૨૭ ઓક્ટોબરે સવારે સાડાદસ વાગ્યે શ્રીનગરના લોકભવનમાં શપથવિધિ : ઉપરાજ્યપાલ મનોજ સિંહા શપથ લેવડાવશે : નવા ચહેરાઓની સાથે કેટલાક મંત્રીઓનાં ખાતાં બદલાવાની ચર્ચા

જમ્મુ  : મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ફારૂક અબ્દુલ્લા સાથે ચર્ચા બાદ નવા મંત્રીઓની યાદી નક્કી કરી : રામબન, પૂંછ, અનંતનાગ અને ઉત્તર કાશ્મીરના પ્રતિનિધિત્વ પર રાજકીય નજર : મંત્રીપદ માટે ભલામણો બંધ કરવા ધારાસભ્યોને મુખ્યમંત્રીની ટકોર.

 

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની સરકારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળ વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે. આગામી મંગળવાર, ૨૭ ઓક્ટોબરે શ્રીનગરના લોકભવન ખાતે નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. જાહેર થયેલા આમંત્રણપત્ર મુજબ સવારે સાડાદસ વાગ્યે ઉપરાજ્યપાલ મનોજ સિંહા નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

 

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શનિવારે ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે ચર્ચા કરીને નવા મંત્રીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

 

મુખ્યમંત્રીએ મંત્રીપદ મેળવવા ઇચ્છતા ધારાસભ્યો અને પક્ષના નેતાઓને ભલામણો માટે દોડધામ નહીં કરવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મંત્રીપદ અંગેનો નિર્ણય થઈ ચૂક્યો છે અને હવે કોઈએ તેમને કે ફારૂક અબ્દુલ્લાને મળીને દબાણ કરવાની જરૂર નથી. મંત્રીપદ માટે સતત આવતા ફોન, સંદેશાઓ અને બાયોડેટાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

 

સંભવિત વિસ્તરણમાં જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો મુદ્દો મહત્વનો બન્યો છે. રામબન, પૂંછ, અનંતનાગ, મધ્ય અને ઉત્તર કાશ્મીરના નેતાઓના નામ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક વર્તમાન મંત્રીઓની જવાબદારી બદલાય અથવા તેમને અન્ય ખાતાં સોંપાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે નવા મંત્રીઓનાં નામોની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

 

હાલ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્રકુમાર ચૌધરી તથા મંત્રીઓ સકીના મસૂદ ઇટુ, જાવેદ અહમદ રાણા, જાવેદ અહમદ ડાર અને સતીશ શર્માનો સમાવેશ થાય છે.

 

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ની જોગવાઈ અનુસાર ૯૦ સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત મહત્તમ નવ સભ્યોનું મંત્રીમંડળ હોઈ શકે છે. હાલ છ સભ્યો હોવાથી ત્રણ નવા મંત્રીઓ માટે જગ્યા ઉપલબ્ધ છે. જોકે ફેરબદલની પ્રક્રિયામાં કેટલાક વર્તમાન મંત્રીઓને હટાવવામાં આવે તો નવા ચહેરાઓની સંખ્યા બદલાઈ શકે છે.

 

ઓક્ટોબર, ૨૦૨૪માં સરકાર રચાયા બાદ આ પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ હશે. આગામી શપથવિધિ અને ખાતાંની ફાળવણી સાથે ઉમર અબ્દુલ્લા સરકારનું નવું રાજકીય તથા વહીવટી સમીકરણ સ્પષ્ટ થશે.

(9:27 PM IST)