<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

કેબિનેટનો મેગા ગિફ્ટ ધડાકો: દિલ્હીમાં ₹૬,૯૭૦ કરોડના ખર્ચે બનશે આધુનિક ૬-લેન ટનલ, યુપીને મળશે ₹૭,૧૪૫ કરોડનો શાનદાર ૪-લેન હાઇવે

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ₹૧૪,૧૧૫ કરોડના બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લીલી ઝંડી; દક્ષિણ-પશ્ચિમ દિલ્હી વચ્ચે ટ્રાફિક જામનો આવશે અંત અને કાનપુર-કાબરાઈ વચ્ચે મુસાફરીનો સમય ૫૮% ઘટશે

નવી દિલ્હી, તા.૦૧: દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક નવી અને હાઈટેક દિશા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે કુલ ₹૧૪,૧૧૫ કરોડના બે મેગા હાઇવે અને ટનલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ દેશના આર્થિક વિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.
દિલ્હીમાં ટ્રાફિક જામમાંથી મુક્તિ: જંગલની નીચેથી પસાર થશે અદભુત ટનલ
દિલ્હીના વાહનચાલકો જે લાંબા સમયથી કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે, તેમના માટે આ બહુ મોટા ખુશખબર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૮AE પર ₹૬,૯૭૦ કરોડના ખર્ચે એક ભવ્ય ૬-લેન દ્વારકા ટનલ બનાવવામાં આવશે. આ ૮.૧ કિલોમીટર લાંબી ટનલ દ્વારકા એક્સપ્રેસવે પર આવેલા શિવમૂર્તિ ઇન્ટરચેન્જને વસંત કુંજના નેલ્સન મંડેલા માર્ગ સાથે સીધી જોડશે, જેનાથી પશ્ચિમ અને દક્ષિણ દિલ્હી વચ્ચેનું અંતર ચપટીમાં કપાઈ જશે. આ હાઇ-ટેક ટનલનો ૩.૧ કિલોમીટરનો હિસ્સો સધર્ન રિજ ફોરેસ્ટ (જંગલ વિસ્તાર) ની નીચેથી પસાર થશે, જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં થાય. સરકારે આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
યુપીમાં વિકાસની નવી રફતાર: સાડા ત્રણ કલાકની મુસાફરી માત્ર દોઢ કલાકમાં!
બીજી તરફ, ઉત્તર પ્રદેશના વિકાસને વેગ આપવા માટે કેબિનેટે કાનપુરથી કાબરાઈ સુધીના ૨૪૨ કિલોમીટર લાંબા ચાર-લેન હાઇવે માટે ₹૭,૧૪૫ કરોડ મંજૂર કર્યા છે. આ હાઇવે ભોપાલ-કાનપુર ઇકોનોમિક કોરિડોરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને ટોલ-આધારિત BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) મોડ પર તૈયાર કરવામાં આવશે. આ હાઇવે બનવાથી કાનપુર, ઘાટમપુર, હમીરપુર અને મહોબા જેવા વિસ્તારોને સીધો ફાયદો થશે. ખાસ કરીને કાબરાઈના માઇનિંગ (ખાણકામ) ઉદ્યોગના માલસામાનને કાનપુર અને ભોપાલ સુધી ઝડપથી પહોંચાડવામાં આ રૂટ લાઈફલાઈન સાબિત થશે.
૫૮ ટકા સમય બચશે, ૧૦૦ની સ્પીડે દોડશે વાહનો
આ નવો ચાર-લેન હાઇવે કાનપુર અને કાબરાઈ વચ્ચેના ટ્રાફિક જામની સમસ્યાને કાયમ માટે ખતમ કરી દેશે. આ રોડ પર વાહનો ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે, જેના કારણે અત્યાર સુધી થતી साડા ત્રણ કલાકની મુસાફરી હવે માત્ર ૧.૫ કલાકમાં પૂરી થઈ જશે એટલે કે મુસાફરીના સમયમાં ૫૮% નો સીધો ઘટાડો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ આ હાઇવે ૪ મોટા આર્થિક નોડ્સ અને ૧૦ લોજિસ્ટિક્સ નોડ્સને કનેક્ટ કરશે. સરકારે આ પ્રોજેક્ટને આગામી અઢી વર્ષમાં જ પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

(4:12 PM IST)