<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

બંધ હોવા છતાં LGનાં સ્‍માર્ટ ટીવી લોકોની જાસૂસી કરી શકે છે?

ચોંકાવનારા રિપોર્ટથી ખળભળાટ, પણ કંપનીએ રદિયો આપ્‍યો

નવી દિલ્‍હી તા.૨૨: LGના સ્‍માર્ટ ટીવીમાં યુઝર્સની પ્રાઇવસીને લઈને એક અત્‍યંત ગંભીર અને ચોંકાવનારો મુદ્દો સામે આવ્‍યો છે. એક રિપોર્ટ અનુસાર LGનાં કેટલાંક સ્‍માર્ટ ટીવી ઘરમાં જોડાયેલા અન્‍ય ડિવાઇસને સ્‍કેન કરી શકે છે. સૌથી ભયજનક વાત એ છે કે ટીવી બંધ હોય કે સ્‍ટેન્‍ડબાય મોડમાં હોય ત્‍યારે પણ એનું માઇક્રોફોન ઓડિયો કેપ્‍ચર કરી શકે છે. આ રિપોર્ટે ઘરમાં લોકોની ખાનગી વાતો અને જાસૂસી અંગેના સવાલો ઊભા કરી દીધા છે.

સંશોધકોના મતે આ ટીવી ઘરના વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાયેલાં કમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર અને સ્‍માર્ટફોન જેવા ડિવાઇસની માહિતી એકઠી કરે છે. ઓટોમેટિક કન્‍ટેન્‍ટ રેકગ્નિશન (ACR) ટેકનોલોજીની મદદથી ટીવી તમે શું જુઓ છો એની માહિતી એકઠી કરીને એનો ઉપયોગ જાહેરાતો માટે કરી શકે છે. રિપોર્ટમાં દર્શાવાયું છે કે રિમોટ-કોડ-એક્‍ઝિક્‍યુશનની નબળાઈને કારણે કોઈ હેકર બંધ ટીવીનું માઇક્રોફોન ચાલુ કરીને ઘરની ખાનગી વાતો સાંભળી શકે છે.

જોકે LG કંપનીએ આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કંપનીએ સ્‍પષ્ટતા કરી છે કે તેમનું ટીવી રૂટીન વાતો રેકોર્ડ કરતું નથી અને માત્ર રિમોટનું બટન દબાવવાથી અથવા હાય LG બોલવાથી જ વોઇસ-કમાન્‍ડ લે છે.

(3:32 PM IST)