<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કેન્સર અને ICU ના નકલી ઇન્જેક્શનો પર ૫૦% ડિસ્કાઉન્ટની લાલચ! હોસ્પિટલોએ પણ ખરીદી લીધા: દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

લાયસન્સ ધરાવતા ફાર્માસિસ્ટ અને ૧૫થી વધુ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સે મળીને રચેલું ખતરનાક નેટવર્ક બેંગાલુરુ SIT ની રડારમાં; મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી નકલી દવાઓ સપ્લાય થયાની આશંકાએ તબીબી આલમમાં મચ્યો હડકંપ

રાજકોટ, તા.૧૫: ભારતની આરોગ્ય વ્યવસ્થા અને દર્દીઓના જીવ સાથે રમત રમતા એક અતિ ગંભીર અને ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેન્સર જેવી અતિ ગંભીર બીમારીઓ અને ICU માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે વપરાતા અત્યંત મોંઘા અને જીવનરક્ષક ઇન્જેક્શનો તેમજ દવાઓની નકલી આવૃત્તિઓ બજારમાં વેચાઈ રહી હોવાનો ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓના નામે તૈયાર કરાયેલી આ નકલી અને બોગસ દવાઓ પર ૫૦ ટકા સુધીનું જંગી ડિસ્કાઉન્ટ (વળતર) આપવામાં આવતું હતું, જેની લાલચમાં આવીને બેંગાલુરુ અને તેની આસપાસની ૯૦ થી વધુ હોસ્પિટલો અને ક્લિનિકોએ આ જીવલેણ દવાઓ ખરીદી લીધી હતી!

બેંગાલુરુ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં લાયસન્સ ધરાવતો એક મુખ્ય ફાર્માસિસ્ટ અને 'કૃપા હેલ્થકેર' નામની એજન્સી શંકાના ઘેરામાં આવી છે. તેણે પોતાના કાયદેસરના ફાર્મા બિઝનેસના ઓટલા નીચે આંતરરાજ્ય નકલી દવાનું મોટું કાળાબજાર ઊભું કર્યું હતું. તપાસકર્તાઓએ બિડાડી નજીકના એક ફાર્મહાઉસ અને અન્ય સિક્રેટ ગોડાઉનો પર દરોડા પાડીને અંદાજે ₹૫ કરોડથી વધુ કિંમતનો નકલી દવાઓ, બોગસ લેબલ, પેકિંગ મશીનરી અને ઇન્જેક્શન રિફિલિંગ ઇક્વિપમેન્ટનો જથ્થો જપ્ત કર્યો છે. તેલંગાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી સસ્તા કેમિકલ અને સોલ્યુશન લાવીને તેના પર મોંઘી ઈમ્પોર્ટેડ કેન્સર ડ્રગ્સના ખોટા ક્યૂઆર કોડ અને લેબલ ચડાવવામાં આવતા હતા.

આ કૌભાંડ માત્ર એક શહેર કે રાજ્ય પૂરતું સીમિત નથી. સિન્ડિકેટના મુખ્ય આરોપીઓએ આ નકલી દવાઓ વેચવા માટે ૧૫ થી વધુ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MR) નું સંગઠિત નેટવર્ક ઊભું કર્યું હતું. આ નેટવર્કના તાર મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી વિસ્તરેલા હોવાના ચોંકાવનારા પુરાવા મળ્યા છે. હાલ તપાસ એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બોગસ દવાઓ કઈ કઈ હોસ્પિટલો દ્વારા દર્દીઓને આપવામાં આવી છે અને આનાથી કેટલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. સરકાર અને નિયામક મંડળોએ આ ઘટના બાદ તમામ હોસ્પિટલોની ખરીદી પ્રક્રિયા અને દવાની સપ્લાય ચેઈન પર આકરી ચકાસણીના આદેશો જારી કર્યા છે.

(4:29 PM IST)