તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
૨૦૫૦ સુધીમાં કેન્સરનો ‘ટાઇમ બોમ્બ’ ફૂટશે: ૩૫ મિલિયન લોકો ચપેટમાં આવવાની WHOની ભયાનક ચેતવણી
ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેન્સરના કેસોમાં ૭૦% નો તોતિંગ વધારો થવાની આશંકા : પરંતુ ડૉક્ટરોના મતે યોગ્ય સ્ક્રીનિંગ અને સતર્કતાથી આ જીવલેણ રોગને હજુ પણ હરાવી શકાય છે

નવી દિલ્હી: WHOના એક ચોંકાવનારા અહેવાલે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં કેન્સરનો એક મોટો ‘ટાઇમ બોમ્બ’ ફૂટવાનો છે. આ અહેવાલ મુજબ, આગામી ૨૫ વર્ષોમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૭૦ ટકા જેટલો જંગી વધારો થશે અને વિશ્વભરમાં અંદાજે ૩૫ મિલિયન (૩.૫ કરોડ) લોકો આ જીવલેણ રોગનો ભોગ બનશે. હાલમાં જ દર વર્ષે ૨.૨૫ કરોડથી વધુ કેસ નોંધાય છે અને ૧ કરોડ લોકો જીવ ગુમાવે છે, જે કેન્સરને દુનિયામાં મોતનું બીજા નંબરનું સૌથી મોટું કારણ બનાવે છે. આ આંકડા માત્ર ડરામણા નથી, પરંતુ માનવજાત માટે એક ગંભીર એલાર્મ સમાન છે જે લાખો પરિવારો પર આર્થિક અને માનસિક બોજ વધારશે.
સર ગંગા રામ હોસ્પિટલના કેન્સર વિભાગના અધ્યક્ષ ડૉ. શ્યામ અગ્રવાલે આ વધતા જતા જોખમ પાછળ આપણી કથળતી જીવનશૈલી અને પર્યાવરણને મુખ્ય ગુનેગાર ગણાવ્યા છે. આજના સમયમાં માણસ શારીરિક શ્રમ અને કસરત છોડીને ઘર તેમજ ઓફિસની ચાર દીવાલોની વચ્ચે કેદ થઈ ગયો છે. સ્માર્ટફોનના આક્રમણ વચ્ચે બાળકો પણ બહાર મેદાનમાં રમવાનું ભૂલી ગયા છે. આ બેઠાડુ જીવનની સાથે-સાથે વધતું પ્રદૂષણ, ખોરાકમાં હાનિકારક કેમિકલ્સનું પ્રમાણ અને ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક તાપમાનમાં વધારો) પણ કેન્સરના કોષોને સક્રિય કરવામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. આપણે અજાણતા જ આપણી રોજિંદી નબળી આદતો દ્વારા આ ભયાનક રોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છીએ.
જો કે, આ અંધકારમય ચિત્રની વચ્ચે એક મોટું આશાનું કિરણ પણ છે; ડૉક્ટરોના મતે કેન્સરના મોટાભાગના કેસોને જો સમયસર ઓળખી લેવાય તો તેને સંપૂર્ણપણે અટકાવી શકાય તેમ છે. ખાસ કરીને મહિલાઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરને નિયમિત 'મેમોગ્રાફી' અને 'પેપ સ્મીયર ટેસ્ટ' દ્વારા સરળતાથી પકડી શકાય છે. પેપ સ્મીયર ટેસ્ટ તો કેન્સર થવાના ૧૦ વર્ષ પહેલાં જ શરીરમાં થતા પ્રિ-કેન્સરેસ (કેન્સર પહેલાના) ફેરફારોને પકડી પાડે છે, જેથી ડૉક્ટરો તેને શરૂઆતમાં જ ખતમ કરી શકે છે. પશ્ચિમી દેશોની જેમ જો આપણે પણ સ્થૂળતા નિયંત્રણ, જાગૃતિ અભિયાન, નિયમિત કસરત અને વહેલા નિદાન ને આપણી દિનચર્યાનો હિસ્સો બનાવીએ, તો આ ટાઇમ બોમ્બની વાટને ફૂટતા પહેલા જ ચોક્કસપણે કાપી શકાય છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
