તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
'શું મહિલાઓ ગેસ સિલિન્ડર નથી ઉઠાવી શકતી?': ઈન્ડિયન ઓઈલમાં લિંગભેદનો શિકાર બનેલી મહિલાને રૂ. ૧૨ લાખનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ
પીએસયુ કંપનીમાં તમામ લાયકાત હોવા છતાં 'મહિલા' હોવાના નાતે નોકરી નકારાઈ: સુપ્રીમ કોર્ટે 'નારીત્વનું અપમાન' ગણાવી જાહેર ક્ષેત્રના એકમની આકરી ટીકા કરી

નવી દિલહી : ભારતીય ન્યાયતંત્રની સર્વોચ્ચ અદાલતે દેશમાં પુરુષ સમોવડી મહિલાઓના અધિકારો અને રોજગારમાં થતા લિંગ-આધારિત ભેદભાવ સામે એક અત્યંત મહત્વપૂર્ણ અને સણસણતો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ને આદેશ આપ્યો છે કે તમામ લાયકાતો ધરાવતી હોવા છતાં માત્ર લિંગના આધારે 'રિફિલિંગ હેલ્પર'ની નોકરીથી વંચિત રાખવામાં આવેલી મહિલાને રૂ. ૧૨ લાખનું એકમુકત (lump-sum) વળતર ચૂકવવામાં આવે.
આ કેસની સુનાવણી દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના વકીલે દલીલ કરી હતી કે એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં ભારે સિલિન્ડર ઉઠાવવા જેવા કઠિન શારીરિક શ્રમ અને રાત્રિની પાળી હોવાના કારણે મહિલા ઉમેદવારને અયોગ્ય ગણવામાં આવી હશે. આ દલીલ પર અત્યંત નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ અરવિંદ કુમારે કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, "તમે માત્ર એટલા માટે જ નિમણૂક નકારી કાઢી કારણ કે તે મહિલા છે? આ દેશના નારીત્વનું અપમાન છે. મહિલાઓ પોતાના ઘરમાં દરરોજ ગેસ સિલિન્ડર ઉઠાવે જ છે, જ્યારે પુરુષો હાજર નથી હોતા ત્યારે મહિલાઓ જ સિલિન્ડર બદલે છે."
ઉલ્લેખનીય છે કે, પંજાબના ગુઢા ગામની આ મહિલા સ્થાનિક સમિતિ દ્વારા ભલામણ કરાયેલા ૪૯ ઉમેદવારોમાં સામેલ હતી. કેઝ્યુઅલ ખલાસી અને રિફિલિંગ હેલ્પર માટે ઇન્ટરવ્યુ આપ્યા બાદ અન્ય ૪૩ ઉમેદવારોને નોકરી મળી ગઈ હતી, પરંતુ માત્ર મહિલા હોવાના કારણે તેને બાકાત રખાઈ હતી. મહિલાએ આ અન્યાય સામે નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી લાંબી કાનૂની લડાઈ લડી હતી. હવે મહિલા નિવૃત્તિની વયે પહોંચી ગઈ હોવાથી નોકરી આપવી વ્યવહારુ ન હોવાને કારણે, સુપ્રીમ કોર્ટે તેને ન્યાય આપતાં રૂ. ૧૨ લાખનું વળતર મંજૂર કર્યું છે. આ ચુકાદાએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે શારીરિક ક્ષમતા અંગેની પૂર્વગ્રહયુક્ત ધારણાઓના આધારે મહિલાઓને તકોથી વંચિત રાખી શકાશે નહીં.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
