તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ભુવનેશ્વરમાં વૃદ્ધાની ઘાતકી હત્યા કરી ફરાર થયેલો કેરટેકર કરજણ હાઈવે પરથી ઝડપાયો, ગુજરાત પોલીસે પાર પાડ્યું સનસનાટીભર્યું ઓપરેશન
ઓરિસ્સાના ડીએફઓની પત્નીનું ગળું દબાવી 32 હજાર રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીએ ઝડપી પાડ્યો

ભુવનેશ્વર : ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં તાજેતરમાં સામે આવેલા અત્યંત ચકચારી અને ચર્ચાસ્પદ લૂંટ વિથ મર્ડર કેસમાં ગુજરાત પોલીસને સફળતા સાંપડી છે. નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીના નિવાસસ્થાને તેમની 76 વર્ષીય પત્નીની ઘાતકી રીતે ગળું દબાવી હત્યા કરીને રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર આરોપી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમોએ અત્યંત ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ભાગેડુ શખ્સને ઝડપી પાડ્યો છે.
ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નિવૃત્ત ડીએફઓ પરિવારના ઘરમાં આ હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. મૃતક કુંજલતા નંદા પોતાના નિવાસસ્થાને એકલા હતા ત્યારે તેમની ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યાની ક્રૂર ઘટનાને અંજામ આપ્યા બાદ ઘરમાં રહેલી તિજોરીમાંથી 32 હજાર રૂપિયા રોકડા તેમજ આશરે 50 થી 60 ગ્રામ સોનાના કિંમતી ઘરેણાંની સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી બલભદ્ર રામચંદ્ર મહારાણા છેલ્લા 4 મહિનાથી વૃદ્ધાના ઘરે કેરટેકર તરીકે નોકરી કરતો હતો. તેણે શરૂઆતના મહિનાઓમાં પરિવારનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો, પરંતુ તેની દાનત બગડતાં 3 નવેમ્બર 2026ના રોજ જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે તેણે એકલતાનો ગેરલાભ ઉઠાવીને આ ગુનો આચર્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે ભુવનેશ્વરથી ટ્રેન મારફતે સીધો લુધિયાણા અને ત્યાંથી સુરત પહોંચ્યો હતો, જ્યાંથી તે દિલ્હી ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
આરોપી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમોએ કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. આ અંગે ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ મથકને જાણ કરી દેવામાં આવી છે અને હવે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ઓરિસ્સા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
