News of Saturday, 19th September 2026
દુષ્કાળની બેઠકમાં કાજુ-બદામનો વિવાદ: સંવેદનહીનતા સામે ઉઠ્યા સવાલો, સાંસદે કહ્યું "કલેક્ટરને પૂછો"
મહારાષ્ટ્રમાં ખેડૂતો પાકના નુકસાનથી બેહાલ છે ત્યારે નાંદેડની સમીક્ષા બેઠકમાં નેતાઓ માટે સુકો મેવો પીરસાયાનો વીડિયો વાયરલ : વિવાદ વકરતાં મુખ્યમંત્રી ફડણવીસે પણ સંવેદનશીલતા દાખવવાની આપી સલાહ

નાંદેડ: મહારાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી કટોકટી વચ્ચે નાંદેડ ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સરકારી સમીક્ષા બેઠક વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. રાજ્યના કૃષિ મંત્રી દત્તાત્રેય ભરણે દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં લાતુર, હિંગોલી અને પરભણીના જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, બેઠકના ટેબલ પર ખેડૂતોની વેદનાની ચર્ચા વચ્ચે 'નેતાજીઓ' માટે કાજુ અને બદામ પ્લેટમાં પીરસવામાં આવ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં લોકરોષ ફાટી નીકળ્યો છે. એક તરફ પાણી અને પાક વિના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ મંત્રીઓ અને નેતાઓ મીટિંગમાં કાજુ-બદામની મજા માણી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ શરમાવનારી ઘટના અંગે વિવાદ વકરતાં સાંસદ સંજય જાધવે બચાવત્મક મોડમાં આવીને વિવાદને વહીવટીતંત્ર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "જો ટેબલ પર કાજુ-બદામ રાખેલા હશે તો ભૂખ્યો માણસ સ્વાભાવિક રીતે જ ખાવાનો છે. જો આ એટલો મોટો ચર્ચાનો મુદ્દો હોય તો તમારે જિલ્લા કલેક્ટરને પૂછવું જોઈએ કે તેમણે આવી વ્યવસ્થા શા માટે કરી! જો આ માટે મારી ટીકા થતી હોય તો હું તેને સ્વીકારું છું." સાંસદના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને વિપક્ષોએ સત્તાધારી પક્ષની સંવેદનહીનતા સામે આકરા પ્રહારો કર્યા છે.
બીજી તરફ, નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં સભાઓ દરમિયાન ડ્રાયફ્રૂટ્સ મૂકવાની એક સામાન્ય પ્રથા હોય છે, પરંતુ દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિમાં આવી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે કોઈએ પણ ઇરાદાપૂર્વક આવું કર્યું નથી, છતાં પ્રશાસન અને નેતાઓએ આવી પરિસ્થિતિમાં વધુ સંવેદનશીલતા દાખવવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે તમામ મંત્રીઓને પોતપોતાના જિલ્લામાં પાકના નુકસાનનો પ્રાથમિક સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવાના આદેશ આપવામાં આવ્યા છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
