<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વૈશ્વિક બજારમાં જેટ ઇંધણ સસ્તું થતાં કેથે પેસિફિક એરલાઇન્સ ફરી એકવાર ફ્યુઅલ સરચાર્જમાં ધરખમ ઘટાડો કરશે

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે તેલના ભાવ ઘટતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડાં સસ્તા થશે; ઉત્તર અમેરિકા, યુરોપ અને ભારત સહિત દક્ષિણ એશિયાના રૂટ પર ૧૭ ટકા સુધીની મોટી રાહત

હોંગકોંગ : વૈશ્વિક સ્તરે હવાઈ સફર કરનારા મુસાફરો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાને પગલે, હોંગકોંગની પ્રતિષ્ઠિત વિમાન કંપની કેથે પેસિફિક એરવેઝે તેના ફ્યુઅલ સરચાર્જમાં ફરી એકવાર મોટો કાપ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે. એરલાઇન દ્વારા બુધવારે કંપનીની વેબસાઇટ પર જારી કરાયેલા અહેવાલ મુજબ, આગામી ૧૬ જુલાઈથી કંપનીની મોટાભાગની પેસેન્જર ફ્લાઇટ્સ પર આ નવો ઘટાડો અમલી બનશે, જેનાથી લાંબા અંતરની સફર કરનારા મુસાફરોના ખિસ્સા પરનો બોજ નોંધપાત્ર રીતે hળવો થશે.
સંરક્ષણ અને આર્થિક મોરચે વિશ્લેષણ કરીએ તો, ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસના અંત ભાગમાં ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ જેવી તંગદિલી ભરી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલ અને જેટ ઇંધણના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જો કે, ત્યારબાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા વચગાળાના શાંતિ કરારે વૈશ્વિક બજારને મોટી શાંતિ આપી છે. આ રાજદ્વારી સફળતાના કારણે વૈશ્વિક બજારોમાં ઇંધણના ભાવ તેની સર્વોચ્ચ સપાટીથી લગભગ અડધા થઈ ગયા છે, જો કે તે હજી પણ યુદ્ધ પૂર્વેના સામાન્ય સ્તર કરતાં સહેજ વધુ છે. આ આંતરરાષ્ટ્રીય બદલાવનો સીધો લાભ હવે એરલાઇન પોતાના ગ્રાહકો સુધી પહોંચાડી રહી છે.
રોઇટર્સની ગણતરી મુજબ, હોંગકોંગથી ઉત્તર અમેરિકા, યુરોપ, દક્ષિણપશ્ચિમ પેસિફિક, મધ્ય પૂર્વ અને આફ્રિકા વચ્ચેની ફ્લાઇટ્સ માટે ઇંધણ સરચાર્જ ૧૬ જુલાઈથી આશરે ૧૭% ઘટીને HK$૧,૧૬૪ થી સીધો HK$૯૬૫ ($૧૨૩.૦૯) કરવામાં આવશે. જ્યારે ભારત સહિત દક્ષિણ એશિયાઈ ઉપખંડના રૂટ પર પણ ૧૭% નો ઘટાડો ઝીંકીને સરચાર્જ HK$૫૪૧ થી ઘટાડીને HK$૪૪૮ કરાયો છે. જો કે, હોંગકોંગથી મુખ્ય ભૂમિ ચીન (મેઇનલેન્ડ ચાઇના) ની ફ્લાઇટ્સ માટે સરચાર્જ HK$૧૬૫ પર યથાવત રહેશે અને અન્ય ટૂંકા અંતરના રૂટ્સ પર તે HK$૨૯૦ થી ઘટાડીને HK$૨૪૧ કરવામાં આવ્યો છે.
મધ્ય પૂર્વની કટોકટી શરૂ થયા પછી કેથે પેસિફિક દ્વારા ઇંધણ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ પૂર્વે કંપનીએ ગત ૧૬ મે અને ૧ જુલાઈના રોજ પણ ગ્રાહકોને રાહત આપી હતી. એરલાઇન મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેટ ઇંધણના ભાવમાં આવતી અસ્થિરતા પર નજીકથી નજર રાખવા માટે તેઓ દર બે અઠવાડિયે આ સરચાર્જની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે, જેથી વૈશ્વિક ભાવોનો ત્વરિત લાભ મુસાફરોને આપી શકાય.
આ ઉપરાંત, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે બિઝનેસ રિકવરીના સંકેત આપતાં કેથે પેસિફિકે જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વના દેશો માટેની તેની પેસેન્જર ફ્લાઇટ્સ આગામી ૧ સપ્ટેમ્બરથી પુનઃ સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવશે અને કંપનીની કાર્ગો વિંગ 'કેથે કાર્ગો' પણ આગામી ૧ ઓગસ્ટથી સાઉદી અરેબિયાના રિયાધ શહેર માટે પોતાની માલવાહક સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહી છે.

(5:50 PM IST)