<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

દુબઈથી આવતાં જ હૈદરાબાદ એરપોર્ટ પર CBI ત્રાટકી: મહાદેવ સટ્ટાબાજી એપના મુખ્ય સૂત્રધાર અભિષેક કુમારની ધડપકડ

દુબઈમાં બેઠા-બેઠા ઓનલાઈન સટ્ટાબાજીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવનાર અને કાળી કમાણીથી મિલકતો વસાવનાર માસ્ટરમાઇન્ડ સીબીઆઈના સિકંજામાં : રાયપુર કોર્ટે બે દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા

રાયપુર :  મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા મળી છે. દુબઈથી ભારત પરત ફરી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસના મુખ્ય આરોપી અભિષેક કુમારને સીબીઆઈએ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. એજન્સી લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી. ધરપકડ બાદ આરોપીને તરત જ સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી છત્તીસગઢના રાયપુર લાવવામાં આવ્યો હતો, જ્યાં ખાસ અદાલતે તેને બે દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે. આ કાર્યવાહીથી દેશભરમાં ચાલતા ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્કમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સીબીઆઈની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે અભિષેક કુમાર મહાદેવ એપના મુખ્ય પ્રમોટરો સૌરભ ચંદ્રાકર અને શુભમ સોની સાથે સીધા સંપર્કમાં રહીને આખું સામ્રાજ્ય ચલાવતો હતો. તે ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના વિવિધ પેનલોનું સંકલન કરવા, ગેરકાયદે ભંડોળ એકત્ર કરવા અને હવાલા મારફતે કરોડો રૂપિયાના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. એટલું જ નહીં, આ કાળી કમાણીનો ઉપયોગ કરીને તેણે દુબઈમાં આલીશાન રિયલ એસ્ટેટ મિલકતો પણ વસાવી હતી. ધરપકડ સમયે તેની પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવા અને ગુનાહિત સામગ્રી આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં તેની ઊંડી સંડોવણી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સરકારે આ ચર્ચિત કેસ સંબંધિત ૧૩ એફઆઈઆર સીબીઆઈને સોંપી હતી, જેના આધારે તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ આરોપીઓ સામે ૮ ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓમાં બેટિંગ એપના પ્રમોટરો, હવાલા ઓપરેટરો ઉપરાંત છત્તીસગઢના અનેક ઉચ્ચ સરકારી અધિકારીઓ અને જાહેર સેવકો પણ સામેલ છે. હાલમાં સીબીઆઈ અન્ય ફરાર મુખ્ય પ્રમોટરોને ભારત પાછા લાવવા માટે ઇન્ટરપોલની મદદથી સાત રેડ કોર્નર નોટિસ અને દેશનિકાલ પ્રસ્તાવો પર કામ કરી રહી છે. અભિષેક કુમારની પૂછપરછ દરમિયાન સટ્ટાબાજીની કાળી કમાણી કોના કોના સુધી પહોંચી તેના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

(6:23 PM IST)