<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં CBIની મોટી એક્શન: સાસુ ગિરિબાલા સિંહની હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ધરપકડ

જબલપુર હાઇકોર્ટે મધ્યરાત્રિએ આગોતરા જામીન રદ કરતા જ કેન્દ્રીય એજન્સીએ સકંજો કસ્યો

ભોપાલ :  મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બહુચર્ચિત ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરોએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને ત્વિષાના સાસુ અને પૂર્વ જજ ગિરિબાલા સિંહની ધરપકડ કરી લીધી છે. જબલપુર હાઇકોર્ટે બુધવારે મોડી રાત્રે ૧ વાગ્યે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગિરિબાલા સિંહના આગોતરા જામીન ફગાવી દીધા હતા, જેના કલાકોની અંદર જ ગુરુવારે સવારે સીબીઆઈની ટીમ તેમના કટારા હિલ્સ સ્થિત નિવાસસ્થાને નોટિસ લઈને ત્રાટકી હતી. લગભગ સાડા છ કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ આખરે સીબીઆઈએ તેમની સત્તાવાર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હાથ ધરી છે.

આ હાઇપ્રોફાઇલ કેસમાં અગાઉ ૧૫ મેના રોજ સેશન્સ કોર્ટે ગિરિબાલા સિંહને આગોતરા જામીન આપ્યા હતા, જેનો મધ્યપ્રદેશ સરકારે ઉગ્ર વિરોધ કર્યો હતો. પીડિત પરિવારની ન્યાયની ગુહાર અને રાજ્ય સરકારની અપીલ બાદ આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે કેસના તથ્યો અને સાસુ સામે લાગેલા આરોપો એટલા ગંભીર છે કે તેમને કોઈપણ પ્રકારની કાનૂની રાહત આપવી વાજબી નથી. આ ચુકાદા સાથે જ કાયદાના દાયરામાં રહીને લાંબો સમય ન્યાય તોળનારા પૂર્વ ન્યાયાધીશ પોતે જ કાયદાના સકંજામાં આવી ગયા છે.

ધરપકડ પૂર્વે સીબીઆઈની ટીમે પુરાવા મજબૂત કરવા માટે બુધવારે સાંજે ત્વિષાના સાસરીયાના ઘરની અગાશી પર જઈને આખા ક્રાઇમ સીનનું 'રી-કન્સ્ટ્રક્શન' કર્યું હતું, જ્યાં ત્વિષાએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. એજન્સીએ જેલમાં બંધ ત્વિષાના પતિ સમર્થ અને સાસુ ગિરિબાલાને સામસામે બેસાડીને આકરી પૂછપરછ પણ કરી હતી. હવે પતિ અને સાસુ બંને સીબીઆઈની ગિરફતમાં હોવાથી આગામી દિવસોમાં આ શંકાસ્પદ મૃત્યુ પાછળના અનેક ચોંકાવનારા રહસ્યો અને સાસરિયાઓના અત્યાચારનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(6:35 PM IST)