તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પટના NEET વિદ્યાર્થીની શંકાસ્પદ મોત કેસમાં CBIનો ક્લોઝર રિપોર્ટ: આરોપી વિના જ કેસ બંધ કરવાનો પ્રયાસ!
બળાત્કાર અને મૃત્યુના ભયાનક મામલામાં પુરાવા ન મળ્યાનું બહાનું: AIMSનો ફોરેન્સિક રિપોર્ટ, સ્પર્મ મેચિંગ અને ૯૦ દિવસમાં ચાર્જશીટ ન મૂકાતા હોસ્ટેલ સંચાલકના જામીન સામે ગંભીર સવાલો!

પટના : બિહારના પાટનગર પટનામાં મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET) ની તૈયારી કરતી ૧૭ વર્ષીય સગીરાના શંકાસ્પદ બળાત્કાર અને મોતના અત્યંત સંવેદનશીલ કેસમાં દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી CBI ની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે. તપાસના આઠ મહિના બાદ CBI એ વિશેષ POCSO કોર્ટમાં આ કેસમાં કોઈ પુરાવા કે દોષિત ન મળ્યાનું જણાવીને ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો છે. આ રિપોર્ટ બાદ આ કેસમાં કોઈ શક્તિશાળી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યાની ચર્ચાઓએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે.
જહાનાબાદ જિલ્લાની મૂળ રહેવાસી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની પટનાના શંભુ કન્યા છાત્રાલયમાં રહીને NEET ની તૈયારી કરતી હતી. ૫ જાન્યુઆરીના રોજ છાત્રાલયમાં આવ્યા બાદ તે પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ૫ દિવસની સારવાર બાદ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. પ્રારંભિક તબક્કે પોલીસે ઊંઘની ગોળીઓના ઓવરડોઝની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ બાળકીના શરીર પરની ઈજાના નિશાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટે જાતીય હુમલા (બળાત્કાર) ની શક્યતા નકારી ન હતી.
જનરોષ અને પરિવારની માંગણી બાદ ફેબ્રુઆરી ૨૦૨૬ માં ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરાઈ હતી અને હોસ્ટેલ સંચાલક મનીષ કુમાર રંજનની ધરપકડ કરવામાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બિહાર સરકારે તપાસ CBI ને સોંપી હતી. પરંતુ, CBI ની ઢીલી કામગીરીને કારણે ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ ન થઈ શકતાં મુખ્ય આરોપી હોસ્ટેલ માલિક મનીષ રંજનને એપ્રિલમાં જામીન મળી ગયા હતા.
કોર્ટે CBI ના ક્લોઝર રિપોર્ટ બાદ પીડિત વિદ્યાર્થીનીના પિતાને નોટિસ જારી કરી હતી. ૧૩ ઓક્ટોબરના રોજ કોર્ટ પીડિતાના પિતાનો પક્ષ સાંભળશે, જેમાં પરિવાર અને વકીલો CBI ના આ ક્લોઝર રિપોર્ટ સામે વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
