News of Tuesday, 7th July 2026
BRO કૌભાંડમાં CBIનો દેશવ્યાપી સપાટો: ૧૧ રાજ્યોમાં ૨૬ સ્થળોએ દરોડા : સેનાના ઉચ્ચ અધિકારીઓ સકંજામાં
લદ્દાખના સરહદી પ્રોજેક્ટ્સમાં નકલી મજૂરોના નામે કરોડો રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો પર્દાફાશ: લેફ્ટનન્ટ કર્નલ અને મેજર રેન્કના આર્મી ઓફિસર્સ સહિત ૧૦ વિરુદ્ધ FIR

નવી દિલ્હી: દેશની સરહદો પર રસ્તાઓ અને વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન માં ચાલી રહેલા એક મોટા નાણાકીય કૌભાંડને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી એ દેશભરમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈએ એક સાથે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા ૨૬ સ્થળો પર દરોડા પાડીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડા દરમિયાન સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા ભંડોળની કથિત ઉચાપતને લગતા અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
CBI ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખું કૌભાંડ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કાર્યરત BRO ના અત્યંત મહત્વપૂર્ણ 'પ્રોજેક્ટ વિજયક' અને 'પ્રોજેક્ટ યોજના' સાથે સંકળાયેલું છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ સરહદી વિસ્તારોમાં કામ કરવા માટે રાખવામાં આવતા કેઝ્યુઅલ મજૂરોની નિમણૂકમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ભ્રષ્ટ તત્વો દ્વારા કાગળ પર નકલી અને બોગસ મજૂરોના નામ દર્શાવીને તેમના નામે સરકારી તિજોરીમાંથી લાખો-કરોડો રૂપિયાની ચૂકવણીઓ મેળવી લેવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા નિયુક્ત ટેકનિકલ ઓફિસર્સ બોર્ડની આંતરિક તપાસમાં આ ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાત પકડાતા જ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા સંવેદનશીલ કેસમાં સીબીઆઈએ કુલ ચાર અલગ-અલગ ફોજદારી FIR નોંધી છે, જેમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને મેજર રેન્કના કમાન્ડિંગ અધિકારીઓ તેમજ સિનિયર એન્જિનિયરો સહિત ૧૦ હાઈ-પ્રોફાઈલ લોકોને સીધા આરોપી બનાવવામાં આવ્યા છે. પકડાયેલા અને તપાસ હેઠળના તમામ અધિકારીઓ પર સરકારી પદનો દુરુપયોગ, ગુનાહિત કાવતરું, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ હેઠળ લાંચ લેવાના કડક આરોપો મૂકવામાં આવ્યા છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ડિજિટલ ડેટાના આધારે પૂછપરછનો દોર તેજ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મિલિટરી એન્જિનિયરિંગ કૌભાંડમાં વધુ કેટલાક મોટા માથાઓની ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
