તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th May 2026
CBSE ધોરણ ૧૨નું પરિણામ જાહેર : ૧૮.૫ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ફેંસલો : ડિજીલોકર પર માર્કશીટ ઉપલબ્ધ
પેપરલેસ પદ્ધતિથી પ્રથમવાર ડિજિટલ મૂલ્યાંકન દ્વારા પરિણામ તૈયાર કરાયું : બોર્ડ દ્વારા ટોપર્સ લિસ્ટ જાહેર કરવાની પરંપરા બંધ : માત્ર ૦.૧ ટકા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ અપાશે

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આજે દેશભરમાં ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામો વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ ૧૮.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે એક નવો વિક્રમ છે. વિદ્યાર્થીઓ હવે ડિજીલોકર (DigiLocker) ના માધ્યમથી પોતાની પ્રોવિઝનલ માર્કશીટ અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. બોર્ડ દ્વારા આ વખતે મૂલ્યાંકન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરીને પ્રથમવાર સંપૂર્ણપણે 'ડિજિટલ એસેસમેન્ટ' પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી કાગળનો વપરાશ ઘટ્યો છે અને પ્રક્રિયા વધુ ઝડપી બની છે.
ડિજીલોકર પરથી માર્કશીટ કેવી રીતે મેળવવી?
વિદ્યાર્થીઓ ડિજીલોકરની સત્તાવાર વેબસાઈટ અથવા એપ પર જઈને સરળ સ્ટેપ્સ દ્વારા પોતાની માર્કશીટ મેળવી શકે છે:
૧. ડિજીલોકરની વેબસાઈટ (digilocker.gov.in) પર વિઝિટ કરો.
૨. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા આધાર વિગતોથી લોગ-ઈન કરો.
૩. "Education" સેક્શનમાં જઈને 'CBSE' પસંદ કરો.
૪. "Class 12 Result 2026" વિકલ્પ પર ક્લિક કરો.
૫. રોલ નંબર, સ્કૂલ કોડ અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો.
૬. વિગતો સબમિટ કરતા જ ડિજિટલ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે, જેને ભવિષ્યના એડમિશન માટે સેવ કરી શકાશે.
ટોપર્સ લિસ્ટ નહીં, માત્ર મેરિટ સર્ટિફિકેટ:
CBSE એ સ્પર્ધાત્મક દબાણ ઘટાડવા માટે સત્તાવાર ટોપર્સ લિસ્ટ જાહેર કરવાની નીતિ બંધ રાખી છે. જોકે, જે વિદ્યાર્થીઓએ વિષયવાર સર્વોચ્ચ પ્રદર્શન કર્યું છે અને ટોચના ૦.૧ ટકામાં સ્થાન મેળવ્યું છે, તેમને બોર્ડ દ્વારા વિશેષ 'મેરિટ સર્ટિફિકેટ' આપવામાં આવશે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે પણ પાસ થવાની ટકાવારી સ્થિર રહી હોવાનું વિશ્લેષકોનું માનવું છે. વર્ષ ૨૦૨૫માં પાસ ટકાવારી ૮૮.૩૯% રહી હતી.
ડિજિટલ મૂલ્યાંકનથી પારદર્શિતા વધી:
બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે શિક્ષકોએ ફિઝિકલ આન્સર શીટને બદલે સ્કેન કરેલી કોપીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કર્યું છે. આ માટે ફેબ્રુઆરી માસમાં જ ખાસ મોક સેશન્સ યોજવામાં આવ્યા હતા. જોકે, આ ટેકનોલોજીકલ ફેરફારને કારણે સ્કેનિંગ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હોવાનું સ્વીકારાયું છે, પરંતુ આ પદ્ધતિથી માનવીય ભૂલોની શક્યતા નહિવત બની છે. હાલમાં પરિણામ જાહેર થતા જ દેશભરની યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના એડમિશનની પ્રક્રિયા પણ વેગ પકડશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
