<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

CBSE ના 'ત્રણભાષા' નિયમથી વાલીઓમાં ભારે રોષ: કે. અન્નામલાઈએ કેન્દ્ર સરકારને તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવા કરી આજીજી

શૈક્ષણિક સત્ર વચ્ચે અચાનક અમલીકરણથી વિદ્યાર્થીઓ પર માનસિક તાણ: તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં શિક્ષણ જગતમાં ખળભળાટ

નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'ત્રણભાષા' નિયમ હવે મોટો રાજકીય અને શૈક્ષણિક વિવાદ બની ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા કે. અન્નામલાઈએ આ અંગે કેન્દ્ર સરકારને કડક અપીલ કરી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવેલ આ નિયમને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. અન્નામલાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પર આટલા ટૂંકા ગાળામાં ભાષાકીય બોજ નાખવો એ બિનજરૂરી માનસિક તાણ પેદા કરનારું પગલું છે.
શું છે સમગ્ર વિવાદ?
એપ્રિલ ૨૦૨૬માં CBSE એ જાહેરાત કરી હતી કે ધોરણ ૬ થી વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ ફરજિયાત રહેશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય હોવી જોઈએ. તે સમયે બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૯-૩૦ થી લાગુ થશે. પરંતુ, ૧૫ મે, ૨૦૨૬ ના રોજ CBSE એ અચાનક નવો પરિપત્ર બહાર પાડીને આ નિયમ ચાલુ શૈક્ષણિક વર્ષ (૨૦૨૬-૨૭) થી જ ધોરણ ૯ માટે લાગુ કરી દીધો છે. આ અચાનક આવેલા ફેરફારથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આઘાતમાં છે.
અન્નામલાઈની નારાજગીનું કારણ
કે. અન્નામલાઈએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા લખ્યું છે કે, "જ્યારે નિયમ ૨૦૨૯ થી લાગુ થવાનો હતો, ત્યારે આટલી ઉતાવળ શા માટે? તમિલનાડુના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક મોટો આઘાત છે." તેમણે સમજાવ્યું કે વિદ્યાર્થીઓએ પહેલેથી જ પોતાની પસંદગીની ભાષાઓ નક્કી કરી લીધી છે, અને હવે ૧ જુલાઈથી ત્રણ ભાષાઓ ભણવાની ફરજ પાડવી એ તેમના એકંદર શૈક્ષણિક પ્રદર્શનને ગંભીર રીતે અસર કરી શકે છે.
નિયમની અસર અને વાલીઓની ચિંતા
નવી સુધારેલી નીતિ મુજબ, વિદ્યાર્થીઓએ માધ્યમિક સ્તરે ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાં હિન્દી અને સંસ્કૃત જેવા વિકલ્પો સામેલ છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેઓ વિદેશી ભાષાને બીજી ભાષા તરીકે ભણી રહ્યા છે, તેમના માટે આ નિયમ વધુ સમસ્યાજનક બની રહ્યો છે. મધ્ય-સત્રમાં આવી અપેક્ષિત ફેરફારને કારણે શાળા સંચાલકોમાં પણ અસમંજસનું વાતાવરણ છે.
સરકારને અપીલ
અન્નામલાઈએ શિક્ષણ મંત્રાલયને નમ્ર અપીલ કરી છે કે, "નવી સૂચનાને તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને આ નિયમને તેના મૂળ નિર્ધારિત સમય એટલે કે ૨૦૨૯-૩૦ થી જ અમલમાં મૂકવો જોઈએ." શિક્ષણ જગતના નિષ્ણાતો પણ માને છે કે, ભાષાકીય પરિવર્તન લાંબા ગાળાની પ્રક્રિયા છે, જેને લાદવાને બદલે સમજદારીપૂર્વક લાગુ કરવી જોઈએ. હવે સમગ્ર દેશની નજર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આગામી નિર્ણય પર ટકેલી છે.

(6:50 PM IST)