તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસના ભરડામાં ફસાયેલા ક્રૂઝ શિપમાંથી અમેરિકનોને ઉગારવા CDC મેદાને : સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ દ્વારા સ્વદેશ લવાશે
નેબ્રાસ્કાના નેશનલ ક્વોરન્ટાઇન યુનિટમાં તમામ મુસાફરોને રાખવામાં આવશે : MV હોન્ડિયસ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા અને 3 ના મોત બાદ ટ્રમ્પ પ્રશાસન એક્શન મોડમાં

નેબ્રાસ્કા:કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસના પ્રકોપનો સામનો કરી રહેલા માલવાહક અને પ્રવાસી જહાજ 'MV હોન્ડિયસ' પર ફસાયેલા અમેરિકન નાગરિકોને પરત લાવવા માટે અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વાયરસ વધુ ન ફેલાય તે માટે CDC ની ટીમો સ્પેનના ટેનેરાઈફ બંદરે જહાજ પહોંચતાની સાથે જ મુસાફરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરીને ચાર્ટર ફ્લાઈટ દ્વારા અમેરિકા લાવવાની યોજના બનાવી રહી છે.
બાયોકન્ટેઈનમેન્ટ યુનિટ અને ક્વોરન્ટાઇન વ્યવસ્થા:
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નાગરિકોને નેબ્રાસ્કા લાવવામાં આવશે, જ્યાં ફેડરલ ભંડોળથી ચાલતા નેશનલ ક્વોરન્ટાઇન યુનિટ અને નેબ્રાસ્કા બાયોકન્ટેઈનમેન્ટ યુનિટમાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. નેબ્રાસ્કા મેડિસિન દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમની ટીમો આ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે અને સમુદાયની સુરક્ષા સાથે મુસાફરોની સંભાળ રાખવામાં આવશે. જે વિશિષ્ટ વિમાન દ્વારા તેમને લાવવામાં આવશે તેમાં પણ બાયોકન્ટેઈનમેન્ટની સુવિધા હશે, જેવી સુવિધા કોવિડ-19 ના સ્થળાંતર વખતે વાપરવામાં આવી હતી.
8 કેસ અને 3 ના કરુણ મોત:
MV હોન્ડિયસ ક્રૂઝ શિપ પર અત્યાર સુધીમાં હંટાવાયરસના કુલ 8 કેસની ઓળખ થઈ છે, જેમાંથી 3 મુસાફરોના મોત નીપજ્યા છે. ઓપરેટર ઓશનવાઈડ એક્સપિડિશન્સના જણાવ્યા અનુસાર, હાલમાં જહાજ પર અંદાજે 17 અમેરિકનો સવાર છે. અગાઉ આ જહાજમાંથી ઉતરેલા 7 મુસાફરો પર એરિઝોના, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, ટેક્સાસ અને વર્જિનિયા એમ પાંચ રાજ્યોમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. ન્યૂ જર્સીમાં પણ બે લોકો પર નજર રખાઈ રહી છે, જોકે હાલ કોઈમાં પણ લક્ષણો જોવા મળ્યા નથી.
ટ્રમ્પ પ્રશાસનની દેખરેખ:
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ અંગે સંકેત આપતા જણાવ્યું હતું કે વહીવટીતંત્ર આ બીમારીને અંકુશમાં લેવા માટે કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, CDC અને હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ વિભાગ સાથે મળીને સ્પેન સરકારના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. જહાજ ટેનેરાઈફ પહોંચતા જ તમામ અમેરિકનોને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
