તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 26th September 2026
ચૂંટણી પંચના આંતરિક સંઘર્ષના અહેવાલો વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક: SIR પ્રક્રિયા અને તમામ નિર્ણયો 'સર્વાનુમતે' લેવાયા હોવાની કરી સત્તાવાર સ્પષ્ટતા!
વિપક્ષના આકરા પ્રહારો અને રાજીનામાની માંગ વચ્ચે કમિશનની મોટી જાહેરાત; પારદર્શિતા વધારવા હવેથી તમામ બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર કરાશે

નવી દિલ્હી : સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને પંચના આંતરિક નિર્ણય બાબતે ઊભા થયેલા વિવાદો વચ્ચે શનિવારે ભારતીય ચૂંટણી પંચની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની સૌથી ખાસ વાત એ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની સાથે બંને ચૂંટણી કમિશનરો – એસ.એસ. સંધુ અને વિવેક જોશી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પંચમાં મતભેદ હોવાના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દેતા ચૂંટણી પંચે એક વિસ્તૃત પ્રેસ નોટ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે SIR સહિતના તમામ ભૂતકાળના નિર્ણયો કમિશન દ્વારા 'સર્વાનુમતે' જ લેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા માટે કમિશને જાહેરાત કરી છે કે હવેથી ભવિષ્યની તમામ બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર કરવામાં આવશે અને બેઠક સંબંધિત તમામ વિગતો સાર્વજનિક કરાશે. 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની કરાયેલી માંગ વચ્ચે પંચે સ્પષ્ટતા કરી કે કેબિનેટ સચિવને લખાયેલો પત્ર પંચના કોઈ નીતિગત મુદ્દા સાથે સંબંધિત નહોતો. આ ઉપરાંત, IT વિભાગના ડેપ્યુટી ઇલેક્શન કમિશનરની દેખરેખ ક્યારેય પાછી ખેંચાઈ નથી અને કમિશનના અધિકારીઓ માટે વિદેશ યાત્રા અગાઉ પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે.
પંચે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે 24 જૂન, 2025ના રોજ તમામ રાજ્યો માટે SIRનો આદેશ સર્વાનુમતે મંજૂર કરાયો હતો. બિહારથી શરૂ થયેલી આ પ્રક્રિયા બાદમાં પશ્ચિમ બંગાળ સહિત 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લંબાવવામાં આવી હતી. 27 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પણ SIR ચલાવવાના નિર્ણયને કાયદેસર ગણાવ્યો હતો. ગોવામાં SIRમાંથી બાદ કરાયેલા 97માંથી 81 યોગ્ય મતદારોના ફોર્મ-6 ભરાવીને તેમનો ફરી સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતીને ધ્યાને રાખીને કમિશને બંને રાજ્યોમાં SIR હેઠળ દાવાઓ અને વાંધાઓ નોંધાવવા માટેની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે. કમિશને ભારપૂર્વક જણાવ્યું કે SIRનો મુખ્ય ઉદ્દેશ્ય સચોટ મતદાર યાદી તૈયાર કરવાનો છે. જે પાત્ર નાગરિકોના નામ યાદીમાંથી રહી ગયા હોય તેઓ ઘરે-ઘરે સહાય, ખાસ શિબિરો અથવા કમિશનના સત્તાવાર ડિજિટલ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરીને પોતાનું નામ ઉમેરાવી શકે છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
