<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વીજ ક્ષેત્રે ટેલિકોમ જેવી ક્રાંતિ લાવવાની કેન્દ્રની તૈયારી: ગ્રાહકો હવે પોતાની પસંદગીની કંપની પાસેથી વીજળી ખરીદી શકશે

ઓવરલેપિંગ નેટવર્ક અને બિનજરૂરી ખર્ચ અટકાવવા 'સમાંતર વિતરણ લાઇસન્સિંગ' નો પ્રસ્તાવ: કેન્દ્રીય મંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કે એરલાઈન્સ પસંદ કરવાની સ્વતંત્રતાની જેમ હવે ભારતમાં વીજ ગ્રાહકોને પણ પોતાના મનપસંદ વીજ સપ્લાયર પસંદ કરવાનો અધિકાર મળી શકે છે. કેન્દ્રીય વીજળી અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં મળેલી ઊર્જા મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં 'સમાંતર વિતરણ લાઇસન્સિંગ' (Parallel Distribution Licensing) ના નવા પ્રસ્તાવિત માળખા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ નીતિનો મુખ્ય હેતુ વીજ વિતરણ ક્ષેત્રે સ્પર્ધા વધારીને ગ્રાહકોને સસ્તો, વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાનો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડુપ્લિકેશન અટકશે: હાલના નેટવર્કનો થશે ઉપયોગ

હાલના વીજળી અધિનિયમ, ૨૦૦૩ મુજબ એક જ વિસ્તારમાં એક કરતાં વધુ વીજ વિતરણ કંપનીઓને લાઇસન્સ આપવાની જોગવાઈ છે, પરંતુ દરેક કંપનીએ પોતાના અલગ થાંભલા, પાવર લાઇન અને સબસ્ટેશન ઊભા કરવા પડતા હતા. તેનાથી કરોડો રૂપિયાનું બિનજરૂરી રોકાણ થતું હતું અને સંસાધનોનો બિનકાર્યક્ષમ ઉપયોગ થતો હતો.

નવા પ્રસ્તાવ હેઠળ:

·         નેટવર્ક શેરિંગ: મૂળ વિતરણ કંપનીઓ પોતાના વીજ નેટવર્કની માલિકી અને જાળવણી જાળવી રાખશે.

·         વ્હીલિંગ ચાર્જ: નવી વીજ વિતરણ કંપનીઓ નિયમિત વ્હીલિંગ ચાર્જ ચૂકવીને હાલના જ નેટવર્ક મારફતે ગ્રાહકોને વીજળી સપ્લાય કરી શકશે.

·         નવા નેટવર્કનો વિકલ્પ: રાજ્ય વીજળી નિયમનકારી પંચ (SERC) ની મંજૂરીથી નવી કંપનીઓ જરૂર જણાય ત્યાં પોતાનું માળખું પણ વિકસાવી શકશે.

મુંબઈ મોડેલની સફળતા અને ગ્રાહક-કેન્દ્રિત સુધારા

કેન્દ્રીય મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે મુંબઈમાં આ ખ્યાલ ઘણા સમયથી સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યાં ગ્રાહકો પોતાની પસંદગી મુજબ વીજ કંપની બદલી શકે છે. આ નવા માળખાથી વીજ ક્ષેત્રે નવીનતા અને કાર્યક્ષમતા વધશે. વધુમાં, તમામ વિતરણ લાઇસન્સધારકો 'સાર્વત્રિક સેવા જવાબદારી' (Universal Service Obligation) થી બંધાયેલા રહેશે, જેથી કોઈ પણ કંપની માત્ર નફો આપતા ગ્રાહકોને પસંદ કરી ગરીબ કે ગ્રામીણ ગ્રાહકોની ઉપેક્ષા ન કરી શકે.

બેઠકમાં હાજર વીજ રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈક અને સંસદસભ્યોએ આ સુધારાને દેશના ઊર્જા ક્ષેત્ર માટે યુગપ્રવર્તક ગણાવ્યો હતો.

(8:11 PM IST)