<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

દિલ્હીમાં 'ચલો સંસદ' પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં : વાતચીત માટે કૉકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે.પી. નડ્ડાને મળવા રવાના

જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ અને લાઠીચાર્જના આક્ષેપો વચ્ચે વિવાદ ઉકેલાવાના સંકેત : CJP એ દાવો કર્યો - ઇતિહાસમાં પહેલીવાર સરકારે સામેથી કર્યો સંપર્ક

નવી દિલ્હી, તા.૨૦ જુલાઈ : દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક મામલે ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'ચલો સંસદ' કૂચ દરમિયાન વધતા જતા તણાવને પગલે કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ સાથે મધ્યસ્થતાના સંકેત આપ્યા છે. કૉકરોચ જનતા પાર્ટીએ સોમવારે દાવો કર્યો છે કે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ પહેલીવાર કેન્દ્ર સરકારે સામેથી તેમનો સંપર્ક કર્યો છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે મંત્રણા થવાની સંભાવનાઓ પ્રબળ બની છે.

 

સરકાર તરફથી સવારે મળ્યું આમંત્રણ, પ્રવક્તાઓ દિલ્હી જવા રવાના:

આજે યોજાનારી સંસદ કૂચ માટે જ્યારે હજારોની સંખ્યામાં સમર્થકો એકત્રિત થઈ રહ્યા હતા, ત્યારે કૉકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાન્કાએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રમુખ જે.પી. નડ્ડાને મળવા માટે જઈ રહ્યા છે. પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, સરકારે આજે સવારે વાતચીત માટે સામેથી સંપર્ક સાધ્યો હતો. અમારી માંગણીઓ બિલકુલ સ્પષ્ટ છે અને દેશભરમાંથી યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે. જો કે, સરકાર તરફથી આ સત્તાવાર મંત્રણા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

 

જંતર-મંતર પર ઘર્ષણ અને લાઠીચાર્જના આક્ષેપો વચ્ચે વાતાવરણ તંગ:

આ રાજકીય ગતિવિધિઓ એવા સમયે સામે આવી છે જ્યારે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થતાં પરિસ્થિતિ અત્યંત અરાજકતાભરી બની ગઈ હતી. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે ભીડને વિખેરવા માટે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ તણાવ વચ્ચે પ્રવક્તા સૌરવ દાસે અગાઉ જણાવ્યું હતું કે જો સરકાર સંવાદની પહેલ કરશે તો કૉકરોચ જનતા પાર્ટી હકારાત્મક ચર્ચા માટે તૈયાર છે. તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ પગલું ઘણું મોડું લેવામાં આવ્યું છે, તેમ છતાં અમે ખુલ્લા મને વાતચીત કરવા રાજી થયા છીએ. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહોતી, પણ હવે બોલ તેમના કોર્ટમાં છે.

(12:52 PM IST)