<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

વોટ્સએપના 'યુઝરનેમ' ફીચર પર કેન્દ્ર સરકાર બગડી: ટેલિગ્રામ-સિગ્નલ સહિતની તમામ એપ્સ માટે આવશે સમાન કાયદો

ફોન નંબર વગર માત્ર યુઝરનેમથી ચેટિંગ આપવાની વોટ્સએપની જીદ સામે આઈટી મંત્રાલય લાલચોળ : ઓનલાઈન કૌભાંડો અને 'ડિજિટલ ધરપકડ'ના વધતા જોખમો વચ્ચે સરકારે પ્લેટફોર્મ્સને નોટિસ ફટકારીને ઘેર્યા

નવી દિલ્હી:  ટેકનોલોજીની દુનિયા અને સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ના એક નવા પ્રસ્તાવિત ફીચરને લઈને કેન્દ્ર સરકાર ભારે નારાજ થઈ છે. વોટ્સએપ ટૂંક સમયમાં જ એક એવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં વપરાશકર્તાઓ પોતાનો પર્સનલ ફોન નંબર શેર કર્યા વિના માત્ર એક 'યુઝરનેમ' ના આધારે અન્ય લોકો સાથે ચેટિંગ કરી શકશે. જોકે, ભારત સરકારે ડિજિટલ છેતરપિંડી અને કાયદો-વ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજનાનો સખત વિરોધ કર્યો છે. હવે આ વિવાદ એટલો વધી ગયો છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય માત્ર વોટ્સએપ જ નહીં, પરંતુ ભારતમાં કાર્યરત તમામ મેસેજિંગ એપ્સ માટે એક સમાન અને કડક નિયમનકારી માળખું (કોમન રેગ્યુલેટરી ફ્રેમવર્ક) લાવવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.

સરકારના મતે, ફોન નંબરની અનિવાર્યતા હટાવી દેવાથી સાયબર ગુનેગારો અને ઠગો માટે મોકળું મેદાન મળી જશે. કોઈપણ વ્યક્તિ ગમે તે આઈડી કે યુઝરનેમ બનાવીને બીજાની નકલ (ઈમ્પર્સનેશન) કરી શકશે, જેનાથી દેશમાં હાલમાં ચાલી રહેલા 'ડિજિટલ અરેસ્ટ', ફિશિંગ અને ઓનલાઈન નાણાકીય કૌભાંડોનો ગ્રાફ અચાનક આકાશે આંબી જશે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે જો કોઈ ગુનો આચરાય, તો ફોન નંબરના અભાવે કાયદા અમલીકરણ એજન્સીઓ (પોલીસ અને સાયબર સેલ) માટે ગુનેગારો સુધી પહોંચવું અને તપાસ કરવી લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. સરકારનું માનવું છે કે કાયદાના નિયમો તમામ પ્લેટફોર્મ માટે એકસમાન હોવા જોઈએ; એવું ન બની શકે કે એક એપ પર કોઈ ફીચર પર પ્રતિબંધ હોય અને બીજી એપ તેનો બેફામ ઉપયોગ કરવા દે.

આ કાનૂની લડાઈને આગળ ધપાવતા આઈટી મંત્રાલયે માત્ર વોટ્સએપને જ નહીં, પરંતુ ટેલિગ્રામ  અને સિગ્નલ જેવી અન્ય દિગ્ગજ એપ્સને પણ સત્તાવાર નોટિસ ફટકારી દીધી છે. આ નોટિસમાં સરકાર તરફથી સ્પષ્ટ પૂછવામાં આવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ યુઝરનેમ ફીચર્સથી થતી છેતરપિંડી, નકલી એકાઉન્ટ્સ અને ઓળખની ચોરી જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે તેમની પાસે શું આયોજન છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વોટ્સએપ અને ટેલિગ્રામ તરફથી આ બાબતે જવાબો મળી ચૂક્યા છે અને હાલમાં એજન્સીઓ દ્વારા તેની કડક તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં એકલા વોટ્સએપના જ આશરે 50 કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે, જેથી સરકારે હાલ પૂરતું આ ફીચરના લોન્ચિંગ પર રોક લગાવી દીધી છે અને કંપનીએ પણ ખાતરી આપી છે કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ભારતમાં આ ફીચર રોલ-આઉટ કરવામાં નહીં આવે.

(8:08 PM IST)