<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

કેન્દ્ર સરકારે અમુક વિદેશી નાગરિકો, શરણાર્થીઓ અને પડોશી દેશોની મુસાફરી કરતા નાગરિકો માટે પાસપોર્ટ તથા વિઝાના નિયમો હળવા કર્યા

ગૃહ મંત્રાલય દ્વારા નવા ઇમિગ્રેશન આદેશની જાહેરાત, નેપાળ અને ભૂટાન પ્રવાસે જતા ભારતીયોને પાસપોર્ટ વગર અન્ય માન્ય ઓળખકાર્ડથી મુસાફરી કરવાની મળી મોટી છૂટછાટ

નવી દિલ્હી, તા.૦૬: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારત સહિત પડોશી દેશોના નાગરિકો અને દેશમાં વસતા વિવિધ વિદેશી નાગરિકો તથા શરણાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પાસપોર્ટ અને વિઝાની કડક જરૂરિયાતોમાંથી મહત્વપૂર્ણ મુક્તિ આપતા 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, ૨૦૨૬' ની સત્તાવાર ગેઝેટમાં જાહેરાત કરવામાં આવી છે.

આ સુધારેલા આદેશ અનુસાર જમીન કે હવાઈ માર્ગે નેપાળ અથવા ભૂટાનની મુસાફરી કરતા ભારતીય નાગરિકોને પાસપોર્ટ રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યાં તેઓ સરકારના વિઝા મેન્યુઅલમાં દર્શાવેલ કોઈપણ અધિકૃત ઓળખ દસ્તાવેજ બતાવીને મુસાફરી કરી શકશે, અને આ જ નિયમ ભારતમાં પ્રવેશતા કે બહાર જતા નેપાળી અને ભૂટાની નાગરિકોને પણ સમાન રીતે લાગુ પડશે.

જોકે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે નેપાળી અથવા ભૂટાની નાગરિકોએ ચીન, મકાઉ, હોંગકોંગ કે પાકિસ્તાનની મુસાફરી કરી હોય અથવા ત્યાંથી પસાર થયા હોય, તેમણે ભારત પ્રવેશવા માટે માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવા ફરજિયાત રહેશે, જ્યારે નેપાળ કે ભૂટાન સિવાયના ત્રીજા દેશોમાં જતા ભારતીયો માટે પણ પાસપોર્ટનો નિયમ યથાવત રહેશે.

બીજી તરફ, પાકિસ્તાનથી ૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ કે તે પહેલાં ભારતમાં આવીને વસેલા અમુક નાગરિકો, જેઓ પાકિસ્તાનના 'CNIC' કાર્ડના અભાવે પાસપોર્ટ રિન્યુ કરાવી શકતા ન હતા, તેમજ મલેશિયા અને સિંગાપોરથી પરત ફરેલા ભારતીય મૂળના લોકોને વિદેશી પાસપોર્ટ નવીકરણની શરતમાંથી મુક્તિ આપીને ભારતમાં રોકાણ માટે યોગ્ય વિઝા મેળવવાની સુવિધા આપવામાં આવી છે.

આ ઉપરાંત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી શરણાર્થીઓ (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) કે જેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ કે તે પહેલાં ધાર્મિક અત્યાચારના કારણે ભારતમાં આશ્રય અર્થે આવ્યા છે, તેમને પણ માન્ય પાસપોર્ટ વગર કે મુદત પૂરી થયેલા દસ્તાવેજો હોવા છતાં વિઝા મેળવીને રોકાણ ચાલુ રાખવાની રાહત અપાઈ છે.
 

આ જ સુધારેલા નિયમો હેઠળ ૯ જાન્યુઆરી, ૨૦૧૫ સુધી ભારતમાં આશ્રય લેનારા નોંધાયેલા શ્રીલંકન તમિલ નાગરિકો તેમજ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસની પરમિટ દ્વારા ભારતમાં પ્રવેશેલા તિબેટીયનોને પણ સામાન્ય પાસપોર્ટ-વિઝાના નિયમોમાંથી છૂટછાટ આપીને ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.

(5:37 PM IST)