તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
કેન્દ્ર સરકાર હવે કોચિંગ ઉદ્યોગ પર લગામ કસવા તૈયારીમાં :મજબૂત રાષ્ટ્રીય કાયદો બનાવશે અને પ્રવેશ પરીક્ષાનું માળખું જ બદલાઈ જશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કોચિંગ પર વિદ્યાર્થીઓની નિર્ભરતા વિશે તપાસ કરવા અને એનો ઉકેલ શોધવા માટે નવ સભ્યોની સમિતિ બનાવી

કેન્દ્ર સરકાર હવે કોચિંગ ક્લાસીસનું નિયમન કરવા જઈ રહી છે. ઘણા બધા નવા નિયમો આવશે. આમ તો આપણે ત્યાં આ કોચિંગ ક્લાસીસની શરૂઆત તો બહુ સીધી અને વ્યવહારુ હતી. સ્કૂલના ક્લાસરૂમમાં જે નથી ભણાવવામાં આવતું, એવા અઘરા એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે પ્રવેશ પરીક્ષાના સવાલોનો ઉકેલ લાવવા માટે આ ક્લાસીસ શરૂ થયા હતા. પણ છેલ્લાં ચાર દાયકામાં તો આ ક્લાસિસ એક આખી સમાંતર શિક્ષણ પ્રણાલીમાં ફેરવાઈ ગયા છે. એક એવી દુનિયા, જેનું પોતાનું અલગ અર્થતંત્ર છે, પોતાના સેલિબ્રિટી પ્રોફેસરો છે. સપનાના સોદાગરો જેવી પોતાની એક કાલ્પનિક માયાજાળ છે. આજે આ કરોડો રૂપિયાની ઈન્ડસ્ટ્રી માત્ર એક જ ડરામણી વાત પર ચાલી રહી છે: ‘માત્ર સ્કૂલમાં ભણવું પૂરતું નથી.’ તમે કોઈપણ માતા-પિતાને પૂછો કે તેમણે પોતાના બાર-તેર વર્ષના બાળકને આ ચક્કરમાં કેમ ધકેલી દીધું? તો એમનો જવાબ મોટી-મોટી આકાંક્ષાઓ નહીં, પણ એક અજાણ્યો ‘ડર’ હશે. એક એવી રેસમાં પાછળ રહી જવાનો ડર, જે રેસ શરૂ થઈ ચૂકી છે એની ખબર પડે તે પહેલાં તો એમાં દોડનારાઓ ક્યાંય આગળ નીકળી ગયા હોય છે.
મૂળ વાત કોચિંગ ક્લાસીસની છે. આપણે આ ક્લાસીસને ગમે તે નામ આપીએ, પણ સચ્ચાઈ એ છે કે એ માત્ર ને માત્ર પ્રેશર કુકર જ છે. હવે એ બાબત કેટલી રુટિન છે એ તમે જુઓ. ભારતના કોઈપણ મધ્યમવર્ગીય સોસાયટીમાંથી તમે પસાર થાઓ, એટલે તમને એક દ્રશ્ય જોવા મળશે. પોતાના વજન કરતાંય ભારે દફતર પીઠ પર લાદીને ચાલતા અગિયાર-બાર વર્ષના ભૂલકાંઓ જોવા મળે. શનિ-રવિની એ ગુલાબી સવારમાં રમવાને બદલે એ બાળકો ‘ફાઉન્ડેશન બેચ’માં ગોખણપટ્ટી કરતા હોય, અને ઘરના ડાઇનિંગ ટેબલ પર શાક-રોટલી સાથે ચર્ચા માત્ર ‘પર્સન્ટાઈલ’ અને ‘રેન્ક’ની જ થતી હોય છે. આપણા દેશમાં કોચિંગ હવે સ્કૂલ પછીનું કોઈ ટ્યુશન નથી રહ્યું. કરોડો પરિવારો માટે તો હવે આ જ જિંદગીની મુખ્ય બાબત બની ગયું છે, જેની આસપાસ સ્કૂલને માંડ-માંડ એડજસ્ટ કરવામાં આવે છે.
આ આખા માહોલના પ્રેશરને સમજવું હોય ને, તો પહેલાં એના આંકડા જોવા પડે. દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની હજારો સીટો માટે લાખો વિદ્યાર્થીઓ વચ્ચે એક રીતે રેસ ચાલી રહી છે. માત્ર NEET-UGની જ વાત કરીએ તો, આશરે એક લાખ જેટલી MBBSની બેઠકો માટે 24 લાખથી વધુ ઉમેદવારો લાઈનમાં ઊભા હોય છે. જ્યારે આખા ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ JEEની પરીક્ષા આપે છે, પરંતુ એની સામે IITની બેઠકો માત્ર 18 હજાર જ છે. સાચી વાત તો એ છે કે આ આંકડા જોતાં આ કોઈ ક્વોલિફાઇંગ એક્ઝામ નહીં, પણ લોટરીની ટિકિટ વધારે લાગે છે.
આ આખી મશીનરીની અંદર પીસાતા એક વિદ્યાર્થીને દિવસરાત માત્ર આ આંકડા દેખાતા હોય છે. દર અઠવાડિયે ટેસ્ટ સિરીઝ, મોક એક્ઝામના રિઝલ્ટ અને આખા ક્લાસ વચ્ચે નોટિસ બોર્ડ પર ટાંગવામાં આવતું લિસ્ટ જ નજરે પડે છે. એટલે જ ઊંઘ સાથે રોજ બાંધછોડ થાય છે, દોસ્તી એક લક્ઝરી બની જાય છે અને બાળપણ એક એવો ગુનો બની જાય છે જેના માટે બાળકે રોજ માફી માંગવી પડે છે, જાણે થોડીક ખુશી કે મોજમસ્તી એ સિલેબસ પૂરો કરવામાં નડતરરૂપ કોઈ બહુ મોટું પાપ હોય.
બીજી તરફ, માતા-પિતા પણ અંદરથી એક શાંત આઘાત વેઠતા હોય છે. પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની આ એકમાત્ર તક માટે કેટલાય પરિવારોએ પોતાની જમીનો વેચી દીધી હોય છે, તેમણે લોન લીધી હોય છે અથવા પોતાની આખી જિંદગીની ખુશીઓ પર બ્રેક મારી દીધી હોય છે. માતા-પિતાનો આ ત્યાગ જ ઘણીવાર બાળક માટે સૌથી મોટો બોજો બની જાય છે. આ સંતાનોને પણ ખ્યાલ આવશે કે તેમના માતા-પિતાઓએ કેટલી મુશ્કેલીઓથી ફી ભરી હોય છે. જેના લીધે તેઓ વધુ દબાણ અનુભવે છે.
કોચિંગ ક્લાસીસને લઈને જો કોઈ એક શહેરે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો એ છે કોટા. દર વર્ષે દેશભરમાંથી આશરે બે લાખ જેટલા કિશોરો હાથમાં સૂટકેસ લઈને રાજસ્થાનના આ શહેરમાં આવે છે. એમની આંખોમાં એવા ભવિષ્યના સપના હોય છે, જે એમના માતા-પિતાએ એમના જન્મના દિવસથી જોવાનું શરૂ કરી દીધું હોય છે. આ બાળકોને નાની-નાની હોસ્ટેલના રૂમમાં પૂરી દેવામાં આવે છે. મોટાભાગના બાળકો જિંદગીમાં પહેલીવાર પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર એકલા રહેવા આવ્યા હોય છે. અહીં આવ્યા બાદ કેટલાય વિદ્યાર્થીઓ ક્યારેય પોતાના ઘરે પાછા ફરી શકતા નથી. તેઓ આ રેસમાં હાર માની લે છે. વખતોવખત સવાલ પૂછવામાં આવે છે કે, કોટામાં વિદ્યાર્થીઓ આખરે આત્મહત્યા કેમ કરે છે ? પરિસ્થિતિ વણસતી જોઈને તંત્રે પણ અખતરા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું – સીલિંગ ફેનમાં સ્પ્રિંગ લગાવી દીધી, હેલ્પલાઈન શરૂ કરી, કાઉન્સિલર્સ રાખ્યા અને રવિવારે પરીક્ષા નહીં લેવાનો નિયમ પણ બનાવ્યો. આ બધું જરૂરી છે અને આનાથી કદાચ કેટલાય જીવ બચ્યા પણ હશે, પણ આ બધું તો એક એવા ઊંડા ઘા પર લગાડેલી ઉપરછલ્લી પાટાપિંડી જેવું છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
