News of Tuesday, 8th September 2026
અનિલ અંબાણીને મોટો આંચકો આપવાની કેન્દ્ર સરકારની તૈયારી: કાળા નાણાં કાયદા હેઠળની અરજી બોમ્બે હાઈકોર્ટથી દિલ્હી ખસેડવા સુપ્રીમ કોર્ટમાં અરજી!
"એક જ દેશમાં એક હાઈકોર્ટને બીજી હાઈકોર્ટ કરતાં વધુ પ્રાધાન્ય કેમ?" - CJI સૂર્યકાંતે કેન્દ્ર સરકારની ટ્રાન્સફર પિટિશન સામે ઉઠાવ્યા આકરા સવાલો; સોલિસિટર જનરલ માટે સુનાવણી મુલતવી.

નવી દિલ્હી, તા. ૦૮: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે. કાળા નાણાં (અપ્રગટ વિદેશી આવક અને સંપત્તિ) અને કરવેરા લાદવાના કાયદા, ૨૦૧૫ ને પડકારતી અનિલ અંબાણીની અરજી બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) નો દરવાજો ખટખટાવ્યો છે. મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ સંવેદનશીલ કેસની સુનાવણી હાથ ધરી હતી, જેમાં સરકારે વિવિધ હાઈકોર્ટમાં ચાલતા સમાન કેસોની વિગતો રજૂ કરવા માટે બે સપ્તાહનો સમય માંગ્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ વલણ સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તીખા સવાલો કર્યા હતા. CJI સૂર્યકાંતે પૂછ્યું કે, "અમે એક હાઈકોર્ટને બીજી હાઈકોર્ટ કરતાં વધુ પ્રાધાન્ય શા માટે આપીએ? દિલ્હી હાઈકોર્ટમાં જ આ કેસ ટ્રાન્સફર કરવાની માંગ કેમ કરવામાં આવી રહી છે?" તેના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ ઝોહેબ હુસૈને દલીલ કરી હતી કે બોમ્બે હાઈકોર્ટમાં આ મામલો 'કોલ્ડ સ્ટોરેજ' માં જતો રહ્યો છે, જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં આ વિષય પર સુનાવણી અંતિમ તબક્કામાં અને પૂર્ણ થવાની તૈયારીમાં છે.
પરંતુ સીજેઆઈએ ટિપ્પણી કરી હતી કે દિલ્હી હાઈકોર્ટનો જે નિર્ણય આવે તેને બોમ્બે હાઈકોર્ટ સમક્ષ ટાંકી શકાય છે. તેના પર સરકારી વકીલે દલીલ કરી હતી કે આનાથી અલગ-અલગ બેન્ચ સમક્ષ કેસોનો ભરાવો વધશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી વિનંતી કરવામાં આવી હતી કે આ મામલે દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતા પોતે દલીલો કરવા માંગતા હોવાથી સુનાવણી મુલતવી રાખવામાં આવે, જેનો સ્વીકાર કરીને સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી આગળ પર મુલતવી રાખી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
