તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
કેન્દ્ર સરકારે સેન્સર બોર્ડનું પુનર્ગઠન કર્યું: પંકજ ત્રિપાઠી, પ્રીતિ ઝિન્ટા અને સુનિલ શેટ્ટી સહિત ૧૮ અગ્રણી ચહેરાઓનો CBFC માં સમાવેશ
સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ ૩ વર્ષના કાર્યકાળ માટે નવી ટીમની જાહેરાત: ફિલ્મ, ટેલિવિઝન, સંગીત અને સાહિત્ય ક્ષેત્રની નામાંકિત હસ્તીઓને મળી સ્થાન

નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) નું પુનર્ગઠન કરીને ૧૮ સભ્યોની નવી સમિતિની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને બુધવારે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. આ નવી ટીમમાં ભારતીય સિનેમા, ટેલિવિઝન, સંગીત, નાટક અને સાહિત્ય જગતના અનેક દિગ્ગજ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નવી સમિતિ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે અને નવા બોર્ડનો કાર્યકાળ પદ સંભાળ્યાની તારીખથી આગામી ત્રણ વર્ષ સુધી અથવા આગળના આદેશો ન થાય ત્યાં સુધી રહેશે. હવેથી ફિલ્મ પ્રમાણપત્ર અને તેને સંબંધિત વિવિધ બાબતોની દેખરેખ તથા નિયંત્રણનું કામકાજ આ ૧૮ સભ્યોની બોર્ડ ટીમ દ્વારા સંભાળવામાં આવશે.
આ નવી સેન્સર બોર્ડ ટીમમાં હિન્દી ચિત્રપટ જગત અને પ્રાદેશિક સિનેમાનું મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળે છે. બોલીવુડમાંથી જાણીતા કલાકારો સુનિલ શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા અને પંકજ ત્રિપાઠી ઉપરાંત 'અનુપમા' ફેમ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી, અભિનેત્રી પલ્લવી જોશી તેમજ પીઢ બંગાળી અભિનેતા પ્રોસેનજીત ચેટર્જીનો સમાવેશ કરાયો છે.
કલાકારો ઉપરાંત સંગીત, દિગ્દર્શન અને કળા ક્ષેત્રની અન્ય જાણીતી હસ્તીઓને પણ બોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સમિતિના અન્ય સભ્યોમાં વિનોદ અનુપમ, મનોજ જોશી, અભિષેક જૈન, ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ, જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શન, હંસરાજ હંસ, સુપ્રિયા યાર્લાગડ્ડા, યતીન્દ્ર મિશ્રા, નીલા માધવ પાંડા, નિશિગંધા વાડ, વામન કેન્દ્રે અને રમેશ પતંગેનો સમાવેશ થાય છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
