તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 2nd September 2026
OBC ક્રીમી લેયર મામલે કેન્દ્ર સરકારને ઝટકોઃ અગાઉના આદેશ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇનકાર
પગારના આધારે ક્રીમી લેયર નક્કી કરવા સામેના ચુકાદામાં વચગાળાની રાહત આપવાની ના : UPSC અને ભરતી પ્રક્રિયા પર અસર અંગે તમામ પક્ષો પાસેથી ૧૭ સપ્ટેમ્બર સુધીમાં જવાબ મંગાયો

નવી દિલ્હી, તા.૨: અન્ય પછાત વર્ગ ક્રીમી લેયર અનામત વિવાદ અંગે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પષ્ટતા અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્રને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત કે અગાઉના આદેશ પર રોક (સ્ટે) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ મામલે તમામ પક્ષકારોને આવનારી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં પોતાના જવાબો દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
આ મામલાની પળષ્ઠભૂમિ મુજબ, સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચના પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો કે OBC ક્રીમી લેયરનું નિર્ધારણ માત્ર માતા-પિતાની આવક કે માસિક પગારના આધારે કરી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવક ઉપરાંત માતા-પિતાનું પદ, સામાજિક દરજ્જો અને નોકરીની શ્રેણીને પણ મુખ્ય માપદંડ તરીકે ધ્યાનમાં લેવા પડશે. આ નિર્ણય મુજબ, જાહેર ક્ષેત્રના સાહસો, બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોને માત્ર ઊંચા પગારના આધારે અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં.
કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે આ નિર્ણયના અમલીકરણમાં ભારે વ્યવહારુ પડકારો આવી રહ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે UPSC 2025 પરીક્ષા દ્વારા ભલામણ કરાયેલા ૯૫૮ ઉમેદવારો માટે સેવા ફાળવણીની પ્રક્રિયા જૂના નિયમો અનુસાર અંતિમ તબક્કામાં છે. જો આ ચુકાદો પાછલી અસરથી લાગુ કરવામાં આવે તો આખી મેરિટ લિસ્ટ, IAS-IPS જેવી કેડર ફાળવણી અને ટ્રેનિંગ પ્રક્રિયા ખોરવાઈ જશે. આ ઉપરાંત કેન્દ્ર અને ૧૮ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની શિક્ષણ સંસ્થાઓ અને ભરતી પ્રક્રિયાઓ પર પણ તેની વ્યાપક અસર પડશે.કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરાયેલી તમામ દલીલો અને ચિંતાઓને સાંભળ્યા છતાં અદાલતે પોતાના અગાઉના ચુકાદાના અમલ પર સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સમક્ષ ઊભા થયેલા આ કાનૂની કોયડામાં હવે તમામ સંબંધિત પક્ષો પોતાના જવાબો રજૂ કરશે. આ બહુચર્ચિત કેસની આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નિયત કરવામાં આવી છે. (રર
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
