તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ઈસરોમાં વૈજ્ઞાનિકોના સામુહિક રાજીનામાથી કેન્દ્ર સરકાર એક્શનમાં: ગગનયાન જેવા મહત્વના મિશન ખોરંભે ન પડે તે માટે સરકારે એક્ઝિટ નિયમો કર્યા કડક
દેશભરમાંથી 100થી વધુ વૈજ્ઞાનિકોએ નોકરી છોડતાં કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અને રાજીનામાની મંજૂરી પ્રક્રિયા પર લગાવી રોક; હવે અંતિમ નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કરશે

નવી દિલ્હી, તા. 16: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માંથી એકસાથે મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો દ્વારા નોકરી છોડવાના અને વહેલી નિવૃત્તિ લેવાના અહેવાલો સામે આવ્યા છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DoS) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નવા નિર્દેશ મુજબ, હવે વૈજ્ઞાનિકોના રાજીનામા કે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) ના પ્રસ્તાવોને સામાન્ય પ્રક્રિયાની જેમ સરળતાથી મંજૂરી આપવામાં આવશે નહીં.
14 જુલાઈના રોજ જારી કરાયેલા એક આંતરિક મેમોરેન્ડમમાં જણાવાયું છે કે ગગનયાન (ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન) અને અન્ય અતિ મહત્વના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા ગ્રુપ 'A' ના વૈજ્ઞાનિક અને તકનીકી સ્ટાફના રાજીનામા સામાન્ય રીતે સ્વીકારવામાં ન આવે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના જોઈન્ટ સેક્રેટરી (પર્સનલ) એસ.આર. રાજશેખર દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, વૈજ્ઞાનિકોના આ રીતે અચાનક જવાને કારણે રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.
રિપોર્ટ અનુસાર, આ નવા આદેશ સાથે સરકારે વર્ષ 2020ના જૂના નિયમને બદલી નાખ્યો છે. અગાઉ ઈસરોના સેન્ટર ડાયરેક્ટરો અને યુનિટ હેડ પાસે અમુક રેન્ક સુધીના વૈજ્ઞાનિકોના રાજીનામા મંજૂર કરવાની સત્તા હતી, પરંતુ હવે તમામ ભલામણો અંતિમ નિર્ણય માટે સીધી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DoS) ને મોકલવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં અંદાજે 100થી 120 વૈજ્ઞાનિકોએ રાજીનામા આપ્યા હોવાની આશંકા છે, જોકે ઈસરો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
