તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
કેન્દ્ર સરકારને લાગશે લોટરી :RBI ઇતિહાસનું સૌથી મોટું ₹3.5 લાખ કરોડનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપે તેવી શક્યતા
ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું.

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રેકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
RBI બોર્ડની શુક્રવારે (22 મે) એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે.
ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં RBI દ્વારા સરકારને અપાતા ડિવિડન્ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્દ્ર સરકાર માટે નોન-ટેક્સ રેવન્યુનો એક મોટો સ્ત્રોત બની ગયો છે.
તમને પ્રશ્ન થશે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે તો RBI આટલી કમાણી ક્યાંથી કરી રહ્યું છે? નાણાકીય વર્ષ 2026 દરમિયાન અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયામાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે RBI એ ચલણ બજારમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરીને મોટા પાયે ડૉલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બેંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ 2026માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 3 ટકા વધીને લગભગ 688 અબજ ડૉલર પર પહોંચી ગયું છે. આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્સી પ્રિન્ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ RBIના નફામાં મોટો ભાગ ભજવ્યો છે.
આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બેંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
