તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મણિપુરમાં હિંસાનો વિસ્ફોટ થતાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: સમગ્ર રાજ્ય 'અશાંત વિસ્તાર' જાહેર, વધુ ૬ મહિના માટે AFSPA લાગુ
મ્યાનમાર સરહદેથી ઘૂસણખોરી કરી આતંકવાદીઓએ ૪ ગ્રામજનોની ગોળી મારીને હત્યા કરી; સશસ્ત્ર દળોને વોરંટ વગર ધરપકડ અને ગોળીબાર કરવાની વિશેષ સત્તાઓ મળી

ઈમ્ફાલ : ઉત્તર-પૂર્વના સરહદી રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી વંશીય હિંસા અને આતંકવાદી હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હિંસાની તાજેતરની ઘટનાઓમાં સ્થિતિ વધુ વણસતાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવે તે રીતે સમગ્ર મણિપુર રાજ્યને (૧૩ કોર પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય) ફરી એકવાર 'અશાંત વિસ્તાર' (Disturbed Area) જાહેર કરી દીધું છે. આ ઘોષણા સાથે જ રાજ્યમાં 'સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, ૧૯૫૮' એટલે કે AFSPA નો કાયદો વધુ છ મહિના માટે લંબાવી દેવામાં આવ્યો છે.
AFSPA લાગુ થતાં સૈન્યને મળ્યા વિશેષ અધિકારો
અફસ્પા (AFSPA) ની કલમ ૩ હેઠળ રાજ્યપાલ કે કેન્દ્ર સરકાર જો પરિસ્થિતિ ખતરનાક કે અશાંત માને તો નાગરિક સત્તાની મદદ માટે આ કાયદો લાગુ કરી શકે છે. આ કાયદા હેઠળ હવે ભારતીય સશસ્ત્ર દળોને મણિપુરમાં વિશેષ અને કડક અધિકારો પ્રાપ્ત થશે. સેનાના જવાનોને શંકાસ્પદ વિસ્તારોમાં વોરંટ વગર ગમે ત્યારે તપાસ કરવાનો, શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કે ધરપકડ કરવાનો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂર પડે ત્યાં સીધો ગોળીબાર કરવાનો અબાધિત અધિકાર રહેશે.
મ્યાનમાર સરહદેથી ઘૂસીને આતંકીઓએ ૪ લોકોની કરી હત્યા
મણિપુરમાં અફસ્પા લંબાવવા પાછળનું તાત્કાલિક કારણ શુક્રવારે બનેલી એક અત્યંત લોહિયાળ ઘટના છે. કામજોંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા પિલોંગ ગામના નિર્જન વિસ્તારમાંથી ચાર ગ્રામજનોના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મ્યાનમારથી ઘૂસણખોરી કરી આવેલા આતંકવાદીઓએ ૫ ભારતીય ગ્રામજનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાંથી એક વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો અને તંત્રને જાણ કરી હતી. મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ હત્યાઓની સખત શબ્દોમાં નિંદા કરતાં કહ્યું કે આવી હિંસા ચલાવી લેવાશે નહીં.
ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૪૦થી વધુ લોકોના મોત
મણિપુરમાં ૨૦૨૩થી જ મેઇતેઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં નાગા અને કુકી સમુદાયો વચ્ચે પણ તણાવ વધ્યો છે. તામેંગલોંગ અને કાંગપોકપી જિલ્લાઓમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં અનેક માસૂમ નાગરિકો અને ૧૭ વર્ષના કિશોર સહિત દંપતીઓએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓના મતે, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૪૦થી વધુ લોકો આ હિંસામાં હોમાઈ ચૂક્યા છે, જેને પગલે સમગ્ર શાંતિ બહાલ કરવા સૈન્ય કડાકો બોલાવવાની તૈયારીમાં છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
