તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
પીએમ મુદ્રા યોજનાને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ક્રેડિટ ગેરંટી ફંડ માર્ચ ૨૦૩૧ સુધી લંબાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિનામૂલ્યે અને સરળતાથી ૨૦ લાખ રૂપિયા સુધીની લોન મળવાનો માર્ગ વધુ સરળ બનશે

નવી દિલ્હી : દેશના નાના ઉદ્યોગસાહસિકો અને વેપારીઓને મોટો આર્થિક ટેકો પૂરો પાડવાના હેતુસર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ક્રેડિટ ગેરંટી ફંડની મુદતમાં આગામી પાંચ વર્ષનો વધારો કરીને તેને માર્ચ ૨૦૩૧ સુધી ચાલુ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણધની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ નાના ધંધાર્થીઓ વગર કોઈ ગીરવે મૂક્યે બેંકોમાંથી રૂપિયા ૨૦ લાખ સુધીની લોન મેળવવાનો લાભ મેળવી શકશે.
સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક ગેરંટી ફીસ ૧ ટકાથી ઘટાડીને ૦.૭૫ ટકા કરવામાં આવી છે, જેનાથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે નાના રોકાણકારો તથા ઉદ્યોગસાહસિકોને લોન ઉપલબ્ધ કરાવવામાં વધુ સરળતા રહેશે અને નાણાકીય જોખમ પણ ઘટશે.
આ યોજના અંતર્ગત લોનને ચાર મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ૫૦ હજાર રૂપિયા સુધીની 'શિશુ લોન', ૫૦ હજારથી ૫ લાખ રૂપિયા સુધીની 'કિશોર લોન', ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની 'તરૂણ લોન' તેમજ અગાઉની લોન સફળતાપૂર્વક ચૂકવનારને ૧૦ લાખથી ૨૦ લાખ રૂપિયા સુધીની 'તરૂણ પ્લસ' શ્રેણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આ યોજનાના વ્યાપમાં સ્વયં સહાય જૂથો (SHGs) માટે ૧૦ લાખથી ૨૦ લાખ રૂપિયા સુધીની લોન તેમજ પીએમ જનધન યોજના અંતર્ગત ૧૦ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાને પણ આવરી લેવામાં આવી છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો વધારવામાં સહાયક બનશે.
દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા આ પગલાંથી લાખો નાના વ્યાપારીઓ, દુકાનદારો અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા ઈચ્છુક યુવાનોને સીધો લાભ મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
