<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

પીએફ પેન્શન ધારકો અને નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: માસિક પગાર મર્યાદા ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરાઈ

૧૭ સપ્ટેમ્બરથી અમલી બનશે નવો નિયમ : દેશના ૫૧ લાખથી વધુ કર્મચારીઓને મળશે લાભ: ઇન-હેન્ડ પગાર ઘટ્યા વિના નિવૃત્તિ સુરક્ષામાં થશે મોટો વધારો

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે દેશના લાખો પગારદાર કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક પગાર મર્યાદા  ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ પ્રતિ માસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારેલી લિમિટ ૧૭ સપ્ટેમ્બરથી દેશભરમાં અમલમાં આવી જશે.

કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ નિર્ણાયક પગલાંથી ખાનગી ક્ષેત્રના ૫૧ લાખથી વધુ વધારાના કર્મચારીઓ સામાજિક સુરક્ષાના દાયરામાં આવી જશે. હવે રૂ. ૨૫,૦૦૦ સુધીનો બેઝિક અને ડીએ ધરાવતા કર્મચારીઓ માટે પીએફ (PF), ઈપીએસ (EPS) પેન્શન અને ઈડીએલઆઈ  વીમા સુવિધાઓમાં યોગદાન આપવું ફરજિયાત બનશે. અગાઉ આ મર્યાદા છેલ્લે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ ₹૬,૫૦૦ થી વધારીને ₹૧૫,૦૦૦ કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી આવતી માંગણી સંતોષાતા કર્મચારીઓમાં આનંદની લહેર ફરી વળી છે.


આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે પગાર મર્યાદા વધવા છતાં કર્મચારીઓના હાથમાં આવતા ચોખ્ખા પગારમાં કોઈ કાપ મૂકાશે નહીં. આ યોગદાન મુખ્યત્વે એમ્પ્લોયર (કંપની) તરફથી કરવામાં આવતા ૧૨% હિસ્સામાંથી જ ફાળવવામાં આવશે. કંપનીના કુલ યોગદાનમાંથી ૮.૩૩% હિસ્સો પેન્શન ખાતામાં જશે અને બાકીની રકમ પીએફ ખાતામાં જમા થશે, જે કર્મચારીઓને નિવૃત્તિ બાદ નિયમિત આર્થિક સુરક્ષા પૂરી પાડશે.

સરકારના આ નિર્ણયથી સામાજિક સુરક્ષા કવચનો વ્યાપ ઘણો વિસ્તરશે. હાલમાં સરકારનું વાર્ષિક બજેટ સપોર્ટ રૂ. ૧૦,૨૫૦ કરોડ છે, જ્યારે નવા નિર્ણય બાદ વાર્ષિક અંદાજિત ખર્ચ વધીને રૂ. ૧૧,૩૩૯ કરોડ થશે. આગામી પાંચ વર્ષમાં આ યોજના પાછળ સરકારી તિજોરી પર કુલ રૂ. ૫૬,૬૯૬ કરોડનો અંદાજિત ખર્ચ થશે.

(9:56 PM IST)