તા. ૨૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૨ શનિવાર
News of Sunday, 25th October 2026
કેન્દ્ર સરકારનું પ્રચંડ ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’: 3 રાજ્યોમાં દરોડા પાડી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ
ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ સરહદે સક્રિય 18 માફિયા ગિરેફ્તાર: 100 કરોડના હવાલા અને 1424 બેંક એકાઉન્ટ્સ સીલ

નવી દિલ્હી : દેશમાંથી નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કેન્દ્ર સરકારે હાથ ધરેલા પ્રચંડ ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ હેઠળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને આ સફળ કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઓપરેશન અંતર્ગત પૂર્વોત્તરના ત્રણ રાજ્યો—આસામ, મિઝોરમ અને મણિપુરમાં આવેલા કુલ 38 શંકાસ્પદ સ્થળો પર એકસાથે સીઆરપીએફ અને તપાસ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો.
આ દરોડા દરમિયાન ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ સરહદી વિસ્તારોમાં સક્રિય વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં સફળતા સાંપડી. તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા 100 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારો ખુલ્લા પડ્યા. એજન્સીઓએ ત્વરિત કાનૂની કાર્યવાહી કરીને ગેરકાયદેસર વ્યવહારો સાથે જોડાયેલા 1,424 બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દીધા, જ્યારે ડ્રગ્સ સિંડિકેટની 17 કરોડ 82 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી લેવામાં આવી.
એજન્સીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સ્થળ પરથી રોકડા 12 લાખ રૂપિયા તેમજ વિસ્ફોટક સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતા 500 ડિટોનેટર પણ જપ્ત કરવામાં આવ્યા. ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ હેઠળ અત્યાર સુધીમાં આ કાળો કારોબાર ચલાવતા કુલ 18 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ અને વ્યાપક કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશવાસીઓને આશ્વાસન આપતાં વર્ષ 2029 સુધીમાં ભારતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવાનો દ્રઢ દાવો વ્યક્ત કર્યો, જે દેશની સાર્વભૌમત્વ અને યુવાધનને બચાવવા માટે સરકારની અટલ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અગાઉ પણ પૂર્વોત્તર રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો પરથી ગેરકાયદેસર નશીલા દ્રવ્યો અને શસ્ત્રોની તસ્કરીની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે, પરંતુ ઓપરેશન ટ્રાઇડન્ટ દ્વારા નેટવર્કના આર્થિક માળખાને જ તોડી પાડવામાં આવ્યું છે. હાલમાં જપ્ત કરાયેલા 1,424 બેંક એકાઉન્ટ્સ અને હવાલા મોડ્યુલ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક નાણાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં જપ્ત થયેલા ડિટોનેટર્સ અને શંકાસ્પદ દસ્તાવેજોના આધારે વધુ ધરપકડો તેમજ દેશવ્યાપી કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
