News of Friday, 17th April 2026
સ્માર્ટફોન કંપનીઓ સામે કેન્દ્ર સરકારનો નરમ અભિગમ : મોબાઈલમાં આધાર એપ પ્રી-ઈન્સ્ટોલ કરવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ પડતો મૂકાયો
એપલ અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓના વિરોધ બાદ આઈટી મંત્રાલયનો મહત્વનો નિર્ણય : સુરક્ષા, પ્રાઈવસી અને વધારાના ઉત્પાદન ખર્ચના મુદ્દે ઉદ્યોગ જગતે ઉઠાવ્યા હતા ગંભીર સવાલો

નવી દિલ્હી : ભારત સરકારે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ માટે રજૂ કરેલો એક મહત્વકાંક્ષી અને વિવાદાસ્પદ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. હવે એપલ, સેમસંગ અને ગૂગલ જેવી કંપનીઓએ ભારતમાં વેચાતા સ્માર્ટફોન્સમાં સરકારી બાયોમેટ્રિક ઓળખ એપ્લિકેશન 'આધાર' (Aadhaar) ને ફરજિયાતપણે પહેલાથી ઇન્સ્ટોલ (Pre-install) કરવાની જરૂર રહેશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે.
શું હતો સમગ્ર વિવાદ?
આધારનું સંચાલન કરતી સંસ્થા UIDAI એ જાન્યુઆરી મહિનામાં આઈટી મંત્રાલયને દરખાસ્ત કરી હતી કે, દેશના આશરે ૧.૩૪ અબજ રહેવાસીઓ પાસે ૧૨ આંકડાનો યુનિક આઈડી હોવાથી, બેંકિંગ, ટેલિકોમ અને એરપોર્ટ એન્ટ્રી જેવી સેવાઓમાં તેની સુવિધા વધારવા માટે દરેક સ્માર્ટફોનમાં આ એપ પહેલેથી હોવી જોઈએ. જોકે, આ પ્રસ્તાવ સામે આવતા જ સ્માર્ટફોન જાયન્ટ્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપનીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારની એપ ફરજિયાત કરવાથી ઉપકરણની સુરક્ષા અને પ્રાઈવસી જોખમાઈ શકે છે.
કંપનીઓની દલીલો અને ટેકનિકલ મુશ્કેલીઓ:
સ્માર્ટફોન ઉત્પાદકોએ જણાવ્યું હતું કે ભારત માટે અલગ અને નિકાસ માટે અલગ ઉત્પાદન લાઇન ચલાવવી અત્યંત ખર્ચાળ સાબિત થાય તેમ છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થઈ શકે છે. ખાસ કરીને એપલ અને સેમસંગે સુરક્ષાના કારણોસર આ દરખાસ્ત પર ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા બે વર્ષમાં સરકારે છઠ્ઠી વખત આવી સરકારી એપ્સ પ્રી-લોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દર વખતે ઉદ્યોગ જગત દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
ડિજિટલ ઈન્ડિયા અને પ્રાઈવસી એડવોકેટ્સનો પ્રતિસાદ:
આઈટી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી સરકાર કોઈપણ એપ પ્રી-લોડ કરવાના પક્ષમાં નથી. ડિજિટલ રાઈટ્સ કાર્યકર્તાઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના સ્થાપક અપાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ એક આવકારદાયક પગલું છે જે નાગરિકોની સ્વાયત્તતાને માન્યતા આપે છે. અગાઉ પણ ટેલિકોમ સિક્યોરિટી એપ ફરજિયાત કરવાના નિર્ણયને સરકારે ભારે ટીકા બાદ પરત ખેંચવો પડ્યો હતો. નરેન્દ્ર ભાઈની સરકાર હાલ ભારતને ગ્લોબલ સ્માર્ટફોન હબ બનાવવા માંગે છે, ત્યારે આ નિર્ણય વિદેશી કંપનીઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વનો મનાય છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
