<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

પેપર લીક અને પરીક્ષા ચોરી સામે કેન્દ્ર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યસભામાં ‘જાહેર પરીક્ષા સુધારા બિલ 2026’ રજૂ, દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડના દંડની કડક જોગવાઈ!

લોકસભા બાદ હવે ઉપલા ગૃહમાં બિલ પર 7 કલાકની ચર્ચા શરૂ: 2 મહિનામાં તપાસ અને 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરાશે

નવી દિલ્હી, તા.30: દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમતા પેપર લીક માફિયાઓ અને ગેરરીતિ આચરનારાઓ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. લોકસભામાં સફળતાપૂર્વક પસાર થયા બાદ, આજે રાજ્યસભામાં 'જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026' ને ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે.
બપોરે ગૃહની કાર્યવાહી પુનઃ શરૂ થતાં જ કેન્દ્રીય આંકડાકીય અને કર્મચારી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ ઐતિહાસિક બિલ રજૂ કર્યું હતું. આ તકે અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ બિલ પર વિસ્તૃત ચર્ચા માટે ગૃહમાં 7 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. બિલ રજૂ કરતી વખતે ડૉ. જીતેન્દ્ર સિંહે ભારપૂર્વક કહ્યું કે, "આ બિલ દેશના દેશના તેજસ્વી યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય તેમજ સુરક્ષા પ્રત્યે મોદી સરકારની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે."
નવા કાયદામાં કરવામાં આવેલી સખત જોગવાઈઓ:
•    કડક સજા અને દંડ: ગુનાની ગંભીરતાને આધારે દોષિતોને 10 વર્ષ સુધીની કેદ અને રૂ. 10 કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત દોષિતોની મિલકતો જપ્ત કરવાની પણ સત્તા આપવામાં આવી છે.
•    ફાસ્ટ ટ્રેક કોર્ટ: કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' સ્થાપવામાં આવશે, જ્યાં દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવશે.
•    સમયબદ્ધ તપાસ: પોલીસ કેસ નોંધાયાના માત્ર 2 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે અને ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરી ચુકાદો લાવવામાં આવશે.
દરમિયાન, ચર્ચાની શરૂઆત કરતાં વિપક્ષના નેતા મલિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ બિલનો સૈદ્ધાંતિક વિરોધ નથી કરતો, પરંતુ આ સુધારાઓ ફક્ત 'કોસ્મેટિક' (ઉપરછલ્લા) છે અને પેપર લીક અટકાવવા માટે હજુ વધુ પારદર્શક અને કડક પગલાંની જરૂર હતી. જોકે, આ કાયદાના અમલથી દેશભરમાં ચાલતી પરીક્ષા ચોરીની ગેંગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(5:41 PM IST)