News of Tuesday, 2nd June 2026
"ખુરશી ગઈ પણ બંગલો નહીં!": વીઆઈપી સરકારી આવાસો માટે નેતાઓનો અનોખો મોહ : બિહારમાં રાબડી દેવી બાદ હવે કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે હાઈપ્રોફાઈલ બંગલા ડીલ ચર્ચામાં
હાઈપ્રોફાઈલ બંગલા સંસ્કૃતિ અને વીઆઈપી કલ્ચર સામાન્ય જનતાના ટેક્સના પૈસા પર ચાલતું હોવાથી વિપક્ષી દળો તેને સરકારી સંસાધનોનો ખુલ્લો દુરુપયોગ ગણાવી રહ્યા છે

બેંગલુરુ: રાજકારણમાં સત્તાની ખુરશી આવે કે જાય, પરંતુ લક્ઝુરિયસ સરકારી બંગલાઓ પ્રત્યે નેતાઓનો મોહ ક્યારેય ઓછો થતો નથી. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પટનાના ૧૦ સર્ક્યુલર રોડ સ્થિત આલીશાન સરકારી બંગલો ખાલી ન કરવા માટે અડગ રહ્યા હોવાના અનેક વિવાદો હજુ શમ્યા નથી, ત્યાં જ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાંથી પણ આવો જ એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટકના રાજકીય ગલિયારાઓમાંથી મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ સિદ્ધારમૈયા વર્ષ ૨૦૨૮ સુધી સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાન 'કાવેરી' ખાલી નહીં કરે. આગામી ૩ જૂનની સાંજે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ડીકે શિવકુમારે સત્તાના સુકાન સંભાળતા પહેલા જ સિદ્ધારમૈયા સાથે આ અંગે એક ખાસ અંદરખાને સોદો (ડીલ) કર્યો છે, જેના કારણે તેઓ પોતે મુખ્યમંત્રી બન્યા પછી પણ આ સત્તાવાર બંગલામાં શિફ્ટ થવાને બદલે શરૂઆતમાં પોતાના ખાનગી નિવાસસ્થાને જ રહેશે.
કર્ણાટકના રાજકારણમાં સરકારી આવાસ લાંબો સમય રાખવાની આ પરંપરા તદ્દન નવી નથી, કારણ કે આ પૂર્વે વર્ષ ૨૦૨૧માં બીએસ યેદિયુરપ્પાએ પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં ઘણો સમય લીધો હતો. જોકે, માત્ર કર્ણાટક કે બિહાર જ નહીં, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ માયાવતી, મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ જેવા દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રીઓના સરકારી બંગલા ખાલી કરાવવા માટે ખુદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ખાસ કરીને અખિલેશ યાદવે જ્યારે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ બંગલો ખાલી કર્યો, ત્યારે તેમાં કરાયેલી કથિત તોડફોડ અને લક્ઝરી ફેરફારો રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને સરકારી તપાસનો વિષય બન્યા હતા. આ જ રીતે ઉત્તરાખંડમાં એનડી તિવારી અને તમિલનાડુમાં જયલલિતાના અવસાન બાદ તેમના 'પોયસ ગાર્ડન' આવાસ પર કાનૂની લડાઈઓ લડાઈ ચૂકી છે.
આ હાઈપ્રોફાઈલ બંગલા સંસ્કૃતિ અને વીઆઈપી કલ્ચર સામાન્ય જનતાના ટેક્સના પૈસા પર ચાલતું હોવાથી વિપક્ષી દળો તેને સરકારી સંસાધનોનો ખુલ્લો દુરુપયોગ ગણાવી રહ્યા છે. સત્તા બદલાતાની સાથે જ નવા મુખ્યમંત્રી કે મંત્રીઓને યોગ્ય આવાસ પૂરા પાડવા માટે વહીવટીતંત્રને ભારે કસરત કરવી પડે છે અને ઘણીવાર જગદીશ શેટ્ટર જેવા નેતાઓની જેમ નોટિસો ફટકારવા છતાં વિવાદો શાંત થતા નથી. દેશના રાજકારણમાં સત્તાવાર પદ ગુમાવ્યા પછી પણ વૈભવી સરકારી સુવિધાઓ ભોગવવાનો આ ટ્રેન્ડ કાયદાના શાસન અને નૈતિકતા સામે મોટા સવાલો ઊભા કરે છે, જે દર્શાવે છે કે નેતાઓ માટે રાજકીય પદ કરતા પણ આ સત્તાવાર વૈભવનું આકર્ષણ કેટલું વધારે મજબૂત છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
