<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

'સરકાર બદલવી એ દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે': વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણનું મોટું નિવેદન, કહ્યું- હા, અમે શાસન પરિવર્તન ઇચ્છીએ છીએ!

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને ચૂંટણી પંચ સામેના આંદોલન વચ્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર સામે આક્રમક તેવર અપનાવતા સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને તેના પરના રાજકીય વિવાદ વચ્ચે ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને CJP (કોકરોચ જનતા પાર્ટી) ના સ્થાપક અભિજીત દીપક, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, અભિનેતા પ્રકાશ રાજ અને AISA નેતા નેહા બોરા સહિતના અગ્રણીઓએ સંબોધિત કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સરકાર એમ માનતી હોય કે આ આંદોલન સરકાર બદલવા માટેનું છે, તો હા, અમે ચોક્કસપણે શાસન પરિવર્તન ઇચ્છીએ છીએ.

 

પ્રશાંત ભૂષણે 10 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર થયેલી હિંસા અને દમનનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "જ્યારે CJP અને અન્ય સંગઠનોએ જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, અને સરકારને એમ લાગ્યું કે જંતર-મંતર તેમના માટે નાનું પડશે, ત્યારે તેઓ અન્ય કોઈ જગ્યા સૂચવી શક્યા હોત. પરંતુ તેના બદલે સરકારે સમગ્ર મધ્ય દિલ્હીને છાવણીમાં ફેરવીને બંધ કરી દીધું. આ પછી પણ જ્યારે કેટલાક યુવાનો શાંતિપૂર્ણ વિરોધના પોતાના બંધારણીય અધિકારની માંગ કરવા રસ્તા પર ઉતર્યા, ત્યારે તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને પત્રકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા."

 

સરકારની દમનકારી નીતિઓની આકરી ટીકા કરતા વરિષ્ઠ વકીલે ઉમેર્યું હતું કે સરકારે એવું માની લીધું હતું કે તેઓ આ પ્રકારની ક્રૂરતા અને બળપ્રયોગથી આ વિરોધને કચડી નાખશે અને લોકોને ડરાવી દેશે, પરંતુ તેની બિલકુલ વિપરીત અસર જોવા મળી રહી છે. સરકાર જેટલું વધુ દબાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કરશે, તેટલી જ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. તેમણે જંતર-મંતર પર રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવા જવા બદલ CJPના સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે દેશનો તિરંગો લહેરાવવો એ ક્યારેય ગુનો હોઈ શકે નહીં, છતાં આ યુવાનોને પાંચ દિવસની અટકાયતમાં મોકલવામાં આવ્યા, જે સાબિત કરે છે કે તંત્ર દ્વારા સંપૂર્ણપણે મનમાની અને ગુંડાગીરી ચલાવવામાં આવી રહી છે.

 

વિરોધ પક્ષો અને આંદોલનકારીઓ પર સરકાર દ્વારા લગાવવામાં આવી રહેલા 'શાસન પરિવર્તન'ના આરોપોનો ખુલ્લેઆમ સ્વીકાર કરતા પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી તો અમે ચૂંટણી પ્રક્રિયાને સુધારવા અને ચૂંટણી લોકશાહીને પાટે ચડાવવા માટે વિનંતી કરી રહ્યા હતા, પરંતુ જો સરકાર દ્વારા આ પ્રકારની ક્રૂરતા અને સરમુખત્યારશાહી ચાલુ રહેશે, તો સ્વાભાવિક છે કે શાસન પરિવર્તન તરફ જ વાત જશે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી કે, "હા, અમે શાસન પરિવર્તન ઇચ્છીએ છીએ, આપણે બધા શાસન પરિવર્તન ઇચ્છીએ છીએ. તેમાં ખોટું શું છે? ભાજપે ભૂતકાળમાં શાસન પરિવર્તન માટે અનેકવાર વિરોધ પ્રદર્શનો કર્યા છે, અને શાસન બદલવાની માંગ કરવી એ દેશના દરેક નાગરિકનો મૂળભૂત લોકશાહી અધિકાર છે."

 

પોતાના સંબોધનના અંતમાં પ્રશાંત ભૂષણે દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ પ્રકારની સરમુખત્યારશાહી સરકાર, જે નાગરિકોના લોકશાહી અધિકારો અને ચૂંટણી વ્યવસ્થાને કચડી રહી છે, તે હવે આ દેશમાં ચાલુ રહી શકે નહીં. આ કારણે જ સમાજના તમામ વર્ગો એકઠા થયા છે અને એવો સામૂહિક નિર્ણય લીધો છે કે આ લડાઈ હવે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવશે. તેઓ આ આંદોલનના નેતા હશે અને તેમના નેતૃત્વ હેઠળ સિવિલ સોસાયટી તથા તમામ રાજકીય પક્ષો સાથે મળીને દેશની લોકશાહીને બચાવવા અને સરકાર બદલવા માટે સંયુક્ત લડત આપશે.

(6:31 PM IST)