<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દેશમાં બદલાતો હવામાનનો મિજાજ:ઉત્તર-ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનું જોર: દક્ષિણમાં તોફાની પવનનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગે 24 નવેમ્બરથી દેશભરના હવામાનમાં મોટા ફેરફાર થવાની આગાહી કરી છે. એક તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે માવઠું અને તોફાની પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં સૂકા હવામાન વચ્ચે ગાઢ ધુમ્મસ અને ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 24 નવેમ્બરે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેની સૌથી વધુ અસર રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 24થી 26 નવેમ્બર દરમિયાન, જ્યારે કેરળ અને માહેમાં 27 નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત લક્ષદ્વીપમાં 25થી 28 નવેમ્બર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના ઝાટકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

બીજી તરફ, ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ ધુમ્મસ અને ઠંડી લોકોની મુશ્કેલી વધારી શકે છે. ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગોમાં 24 નવેમ્બરે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે, જેના કારણે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા નડી શકે છે. બિહારમાં પણ સવારના સમયે હળવી ધુમ્મસ અને ઠંડીનો અહેસાસ થશે. પૂર્વ ભારતમાં 27 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. રાજધાની દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે અને સવારે હળવું ધુમ્મસ જોવા મળશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.

પહાડી રાજ્યો અને રાજસ્થાનની વાત કરીએ તો, રાજસ્થાનમાં આગામી એક સપ્તાહ સુધી હવામાન સૂકું રહેશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 24 નવેમ્બરે વરસાદ કે હિમવર્ષાની કોઈ સંભાવના નથી. જોકે, હિમાચલ પ્રદેશમાં 24 અને 25 નવેમ્બરે ગાઢ ધુમ્મસની ચેતવણી અપાઈ છે; અગાઉ સુંદરનગરમાં વિઝિબિલિટી ઘટીને 70 મીટર સુધી પહોંચી ગઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 28 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેનાથી કડકડતી ઠંડીમાં વધારો થશે.

(12:33 AM IST)