<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

પાકિસ્તાનની સરહદ પાર ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોર્યા’નો નાદ: કરાચીના મરાઠી પરિવારે ઢોલ-નગારા અને ભગવા ધ્વજ સાથે યોજી ભવ્ય વિસર્જન યાત્રા!

મહારાષ્ટ્રથી હજારો કિલોમીટર દૂર 'કરાચી ચા રાજા'ની સ્થાપના કરી સાંસ્કૃતિક વિરાસત જીવંત રાખી: સોશિયલ મીડિયા પર વાયરલ થયો અદભુત વિસર્જન વીડિયો

કરાચી, તા.૨૨: ગણેશોત્સવ આમ તો મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવાતો તહેવાર છે, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાની ભાવના સીમાડા ઓળંગીને દેશ-વિદેશ સુધી પહોંચી છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતા એક મરાઠી પરિવારે પોતાના મૂળ વતનથી હજારો કિલોમીટર દૂર રહેવા છતાં ધાર્મિક પરંપરાઓને ધામધૂમથી જીવંત રાખી છે. આ પરિવારે કરાચી સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી અને ત્યારબાદ ઢોલ-તાશાના તાલે વિસર્જન સરઘસ પણ યોજ્યું હતું.

 

પરિવારે આ આખી ઉજવણીને "કરાચી ચા રાજા" નામ આપ્યું છે. મુંબઈના પ્રખ્યાત 'લાલબાગચા રાજા' કે 'મુંબઈચા રાજા' ની તર્જ પર અપાયેલું આ નામ અને તેમની શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમણે સ્થાપનાથી લઈને પૂજા, આરતી અને વિસર્જન સુધીના વિડીયો ઈન્ટરનેટ પર શેર કર્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

કરાચીની ગલીઓમાં મુંબઈ જેવો માહોલ

 

સોશિયલ મીડિયા પર સૌથી વધુ ધ્યાન ખેંચનારો વીડિયો વિસર્જન યાત્રાનો છે. જેમાં કરાચીની ગલીઓમાં પરિવારના સભ્યો અને ભક્તો ભગવા ધ્વજ લહેરાવતા, ઢોલના તાલે નાચતા અને 'ગણપતિ બાપ્પા મોર્યા' ના નારા લગાવતા મૂર્તિને વિસર્જન માટે લઈ જતા જોવા મળે છે. આ દ્રશ્યો મુંબઈ કે પુણેના ગણપતિ વિસર્જનની યાદ અપાવે છે.

 

વીડિયો સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું કે, "જ્યારે કરાચીના મરાઠી લોકો કમાન સંભાળે છે ત્યારે વિસર્જનનો માહોલ જ કંઈક અલગ હોય છે." આ પરિવાર માત્ર ગણેશોત્સવ જ નહીં પરંતુ અન્ય ભારતીય તહેવારો અને સાંસ્કૃતિક રીત-રિવાજો પણ કરાચીમાં રહીને એટલી જ શ્રદ્ધાથી ઉજવે છે. પરદેશમાં વસ્યા પછી પણ પોતાની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાનું આ પરિવાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

(4:48 PM IST)