તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
કેશોદ પાસે ચર ગામ–બાલાગામ રોડ પર કાળ ત્રાટકયો: રઘુવંશી પરિવારોના ડેનિશ દિવરાણીયા, ઝલક મશરૂ અને નંદની પોપટનાં આગમાં ભડથું થઈ જતાં કરુણ મોત
ક્રિશ્ના ચુડાસમાનો ચમત્કારીક બચાવ: આગળનો કાચ તૂટતાં ક્રિશ્ના બહાર ફંગોળાઈ ગઈ : ત્રણ મિત્રોને બહાર નીકળવાની તક પણ ન મળી: જૂનાગઢથી માધવપુર જતી સ્વીફ્ટ કાર ખમીદાણા ધાર પાસે પથ્થર સાથે અથડાઈ અગનગોળો બની: પરિવારજનોના હૈયાફાટ રુદન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ: વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ચર ગામ–બાલાગામ રોડ પર ગોઝારી દુર્ઘટના : ૨૩ વર્ષીય ડેનિશ ધીરુભાઈ દિવરાણીયા, ૨૩ વર્ષીય ઝલક સંજયભાઈ મશરૂ અને ૨૪ વર્ષીય નંદની હિરેનભાઈ પોપટનાં મોત : ૨૪ વર્ષીય ક્રિશ્ના રમેશભાઈ ચુડાસમા સારવાર હેઠળ : ૧૧૨, ૧૦૮ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયાં : કેશોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં જૂનાગઢથી ચાર મિત્રો સ્વીફ્ટ કાર નંબર જીજે-૦૫-આરયુ-૬૨૯૭માં માધવપુર તરફ જઈ રહ્યા હતા. કાર ડેનિશ ધીરુભાઈ દિવરાણીયા (ઉં.વ. ૨૩, રહે. જૂનાગઢ) ચલાવી રહ્યો હતો. તેની સાથે ઝલક સંજયભાઈ મશરૂ (ઉં.વ. આશરે ૨૩, રહે. જલારામ સોસાયટી, તળાવ પાસે, જૂનાગઢ), નંદની હિરેનભાઈ પોપટ (ઉં.વ. આશરે ૨૪, રહે. રોયલપાર્ક, તળાવ પાસે, જૂનાગઢ) અને ક્રિશ્ના રમેશભાઈ ચુડાસમા (ઉં.વ. આશરે ૨૪, રહે. રાજીવનગર, જૂનાગઢ) સવાર હતાં.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આજે રવિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જૂનાગઢના ત્રણ યુવાનોનાં કરુણ મોત નીપજતાં રઘુવંશી પરિવારો સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી લાલ રંગની સ્વીફ્ટ કાર ચર ગામથી બાલાગામ જતા માર્ગ પર ખમીદાણા ધાર પાસે પથ્થર સાથે ધડાકાભેર અથડાતાં કારમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર બે યુવકો અને એક યુવતી જીવતા ભૂંજાઈ ગયાં હતાં, જ્યારે આગળની સીટ પર બેઠેલી અન્ય યુવતી કારમાંથી બહાર ફંગોળાઈ જતાં તેનો જીવ બચી ગયો હતો.
કાર ખમીદાણા ધાર નજીક પહોંચતાં ચાલકે કાબૂ ગુમાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાર માર્ગ પરના પથ્થર સાથે જોરદાર અથડાઈ હતી અને અકસ્માત બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. ટક્કરના કારણે કાર હવામાં ફંગોળાતાં આગળનો કાચ તૂટી ગયો હતો. આ દરમિયાન આગળની સીટ પર બેઠેલી ક્રિશ્નાબેન ચુડાસમા કારની બહાર ફંગોળાઈ ગઈ હતી. આ રીતે તેમનો જીવ બચી ગયો હતો, જોકે તેમને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બીજી તરફ કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે ડેનિશ દિવરાણીયા, ઝલક મશરૂ અને નંદની પોપટને બહાર નીકળવાની તક મળી નહોતી. ત્રણેય આગની લપેટમાં આવી જતાં તેમનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૧૨ પોલીસ હેલ્પલાઇન, ૧૦૮ એમ્બ્યુલન્સ અને કેશોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. ડી. મકવાણા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતદેહો તથા ઈજાગ્રસ્ત ક્રિશ્નાબેનને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્મતમાં ત્રણ મિત્રોનાં મોત થયાના સમાચાર મળતાં જ જૂનાગઢથી તેમના પરિવારજનો અને સગાંસંબંધીઓ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્વજનોના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો. યુવાન વયે ત્રણ જિંદગીઓનો કરુણ અંત આવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે મૃત્યુ પામેલા ઝલકભાઈના પિતા સંજયભાઈ બાલુભાઈ મશરૂ (ઉં.વ. ૪૫, રહે. જૂનાગઢ)એ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મૃતક કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. ડી. મકવાણા ચલાવી રહ્યા છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
