News of Friday, 29th May 2026
વિશ્વભરમાં ChatGPT ઠપઃ યુઝર્સને લોગ-ઇન કરવામાં મુશ્કેલી
ટેકનિકલ ખામીને કારણે ઓફિસ વર્ક, અભ્યાસ અને કોડિંગના કામ અટકયા

નવી દિલ્હી, તા.૨૯: ટેકનોલોજીના યુગમાં આજે સવારે એક મોટો વળાંક આવ્યો જ્યારે લાખો લોકોનો ડિજિટલ સહાયક ગણાતું ChatGPT અચાનક બંધ થઈ ગયું. શુક્રવારની સવારથી જ ભારત સહિત વિશ્વભરના યુઝર્સને લોગ-ઇન કરવામાં અને પ્રતિભાવો મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનડિટેક્ટરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ૪,૦૦૦ થી વધુ અને ભારતમાં સેંકડો લોકોએ આ આઉટેજ અંગે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં ઓફિસ જનારા આઈટી પ્રોફેશનલ્સ અને કોડર્સનું કામ અધવચ્ચે અટકી પડ્યું છે.
સમસ્યા માત્ર લોગ-ઇન પૂરતી મર્યાદિત નથી, પરંતુ જે યુઝર્સ લોગ-ઇન કરી શકયા છે તેઓ પણ ખાલી સ્ક્રીન અથવા સતત ઝબકતા કર્સરનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોની વર્ષોની મહેનત સમાન જૂની ચેટ હિસ્ટ્રી પણ ગાયબ થઈ ગઈ હોવાના અહેવાલો છે, જેના કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ અને રિસર્ચર્સમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. મોબાઈલ એપ્લિકેશન વારંવાર ક્રેશ થઈ રહી છે અને વેબ વર્ઝન અત્યંત ધીમું પ્રતિસાદ આપી રહ્યું છે. OpenAI એ સત્તાવાર રીતે આ ખામીનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેમની ટીમ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
આ આઉટેજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે માનવજાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કેટલી હદે નિર્ભર બની ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #ChatGPTDow ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યાં યુઝર્સ મીમ્સ અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓથી લઈને જટિલ કોડિંગ કરતા એન્જિનિયરો સુધી, દરેક માટે આ અચાનક આવેલો ટેકનિકલ બ્રેક આર્થિક અને સમયના નુકસાન સમાન સાબિત થયો છે. જ્યાં સુધી સેવાઓ સામાન્ય ન થાય, ત્યાં સુધી વૈશ્વિક સ્તરે કામગીરીની ગતિ ધીમી રહેવાની શકયતા છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
